ભારતમાં કોરોનાનો નવો એપી સ્ટ્રેન

નવી દિલ્હી, તા. 4 : ભારતમાં કોરોનાના કાળા કેર વચ્ચે હવે આ ચિંતાજનક હેવાલ મળી રહ્યા છે કે દેશમાં કોવિડનો નવો પ્રકાર `એપી સ્ટ્રેન' બહાર આવ્યો છે. આંધ્ર પ્રદેશમાં મળેલો આ પ્રકાર 15 ગણો વધુ સંક્રામક કહેવાય છે અને વૈજ્ઞાનિક ભાષામાં તેને એન440કે કહેવાય છે. એપી સ્ટ્રેન સૌપ્રથમ આંધ્રપ્રદેશના કુરતુલમાં નોંધાયો હતો. કહેવાય છે કે તે વેરિઅન્ટ બી1.617 અને બી1.618થી પણ વધુ શક્તિશાળી છે. આ નવા કોરોનાના નમૂના પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. આ કોરોના વધુ ઝડપથી ફેલાય છે અને ત્રણથી ચાર દિવસમાં જ દર્દીઓ ગંભીર હાલતમાં પહોંચી જાય છે. આ વાયરસ યુવાઓમાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને જેમની રોગપ્રતિકારક શક્તિ સારી છે તેમને પણ મૂકતો નથી.દક્ષિણ ભારતમાં આંધ્ર ઉપરાંત કર્ણાટક અને તેલંગાણામાં આ વેરિઅન્ટ ઝડપઝેર ફેલાઈ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં પણ તેનો પગપેસારો થઈ ચુક્યો છે. ધી સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી)એ આ પ્રકાર શોધી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે દેશમાં સૌથી વધુ બી.1.1.7 સ્ટ્રેન ફેલાયેલો છે ત્યારબાદ બી.1.617 પ્રકારથી લોકો સંક્રમિત છે. થોડા દિવસ પહેલાં જ બંગાળના નવા વેરિઅન્ટ એટલે કે ટ્રિપલ મ્યુટન્ટના પણ ચિંતાજનક હેવાલ ચમકયા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer