ટેસ્ટિંગ મશીન વધ્યાં તો ટેસ્ટ ઘટયા કેમ ?

અમદાવાદ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે પણ  સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું અને રાજ્યમાં કોરોના વાયરસને રોકવા માટે શું શું કામ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે હાઇકોર્ટમાં અમદાવાદની ઍમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો. દરમિયાનમાં આજે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની વચ્ચે સંકલનનો અભાવ, 108 એમ્બ્યુલન્સ, ઓક્સિજન પ્લાન્ટ, આરટીપીસીઆર ટેસ્ટ વગેરે મુદ્દે રાજ્ય સરકારને તતડાવી નાખી હતી અને આ મુદ્દે ઉધડો લેતા જણાવ્યું હતું. હાઇકોર્ટે કહ્યું ગ્રામ્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે તે અંગે વિગતવાર એફિડેવિટ કરો. 108 ટોટલ નિષ્ફળ છે. અમે જ્યારે કોઈ ઓર્ડર જાહેર કરીએ ત્યાર બાદ જ સરકાર હરકતમાં આવે છે આ સતત જોવા મળી રહ્યું છે. કોઈ કોર્પોરેશન પોતાની મનમાની ન કરે. આ મામલે વધુ સુનાવણી 11મેના રોજ યોજાશે. હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, એએમસી રાજ્ય સરકારની અંડરમાં આવે છે, તો તેને સરકારની નીતિ પ્રમાણે કામ કરવું પડે. પરંતુ એએમસી પોતાની અલગ પોલિસીથી કામ કરે છે આવું કેમ? સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે 21 યુનિવર્સિટીઓએ હજુ સુધી આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કર્યા નથી. હાલ આવી યુનિવર્સિટીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. જો યુનિવર્સિટીઓ ટેસ્ટ નહીં કરે તો અમે કાર્યવાહી કરીશું. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે તમારે વિનંતી નહીં આદેશ કરવાનો હોય. ટેસ્ટ કરવા માટે યુનિવર્સિટીઓને આદેશ કરો. સાથે જ કોર્ટે કહ્યું કે ટેસ્ટ મામલે સરકારના ડેટા અયોગ્ય છે.  જે મામલે કમલ ત્રિવેદીએ જણાવ્યું કે આજની તારીખે 71 મશીન કામ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે મશીન વધ્યા છે તો ટેસ્ટમાં ઘટાડો કેમ..? જે મામલે ત્રિવેદીએ ક્હયું કે ટેસ્ટ કરાવવા આવતા દરેક લોકોના ટેસ્ટ થાય છે. હવે ટોકન સિસ્ટમ પણ હટાવી લેવાઈ છે. આ સિવાય રેમડેસિવિર ઈંજેક્શન તથા અૉક્સીજન મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારથી વિવિધ સવાલો કર્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું કે માંગ પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શન કેમ નથી અપાતા? ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યા છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ન સ્થાપી શકે? જેની સામે એજી કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી અને રો મટીરિયલ વિદેશથી આયાત કરવું પડે છે જેમાં આયાત માટે 2થી 3 મહિનાનો સમય લાગે છે. રાજ્ય સરકારનું 32 ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનું આયોજન છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer