હૈદરાબાદના આઠ સિંહ કોરોનાગ્રસ્ત !

હૈદરાબાદ, તા.4 : ભારતમાં કોરોના મહામારીની આફતમાં પ્રાણી-પશુઓ પણ સપડાઈ જવાની દહેશત ફેલાઈ છે. દેશમાં પહેલીવાર હૈદરાબાદનાં નેહરુ ઝૂઓલોજિકલ પાર્કમાં 8 એશિયાટિક સિંહો કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમનામાં કોરોના લક્ષણ દેખાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ મળ્યા હોવાનું કહેવાય છે. જો આ અહેવાલ સાચા હોય તો આવનારા સમયમાં ગુજરાતમાં ગિરનાં વનમાં વસતા વનરાજોનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે. વહેલીતકે ગિરમાં પણ સાવજોનાં આરોગ્યની ચકાસણી માટે કામગીરી હાથ ધરવાની ફરજ પડી  શકે છે. મળતી માહિતી મુજબ 29મી એપ્રિલના રોજ સીસીએમબી (સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી)એ મૌખિક જણાવ્યું કે નેશનલ ઝૂલોજિકલ પાર્ક (એનઝેડપી)ના 8 સિંહોનો આરટીપીસીઆર ટેસ્ટ થયો હતો, જેમાં તે પોઝિટિવ મળ્યા છે.એનઝેડપીના ક્યૂરેટર અને ડાયરેક્ટર ડો. સિદ્ધાનંદ કૂકરેતીએ આ અંગે પુષ્ટિ આપતાં જણાવ્યું હતું કે, સિંહોમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા પરંતુ અત્યાર સુધી સીસીએમબી તરફથી તેમને આરટી-પીસીઆર રિપોર્ટ નથી મળ્યો. મળતી માહિતી મુજબ 24 એપ્રિલના રોજ પાર્કમાં કામ કરી રહેલા કર્મચારીઓને સિંહોમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. ત્યારબાદ નેહરૂ ઝુલોજિકલ પાર્કના અધિકારીઓએ તેમનો કોરોના રિપોર્ટ કઢાવવાનો નિર્ણય કર્યો હતો. નાગરિકો માટે આ પ્રાણીસંગ્રહાલયને બે દિવસ પહેલા જ બંધ કરવામાં આવ્યું છે. આ વાઇરસ હવે હવા મારફતે પણ ફેલાઇ રહ્યો હોવાની આશંકા છે, ત્યારે બની શકે છે કે આસપાસના લોકોનો ચેપ આ સિંહોને લાગ્યો હોય. વાઇલ્ડલાઇફ રિસર્ચ એન્ડ ટ્રાનિંગ સેન્ટરના ડાયરેક્ટરે જણાવ્યું કે અગાઉ અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રોન્ક્સ ઝૂમાં આઠ વાઘ અને સિંહો કોરોના પોઝિટિવ મળ્યા હતા, જોકે બાદમાં આવા અન્ય કોઈ અહેવાલો સામે આવ્યા નથી. જો કે, હોંગકોંગમાં કૂતરા અને બિલાડીઓમાં વાયરસ જોવા મળ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer