કલેક્ટર કચેરીમાં માપણી શીટ ગુમ કરવાનું ષડયંત્ર ?

ભુજ, તા. 4 : કચ્છ જિલ્લામાં સોનાની લગડી જેવી સરકારી ખરાબોની રોડ ટચ મોકાની જમીનો સંલગ્ન વિવિધ કચેરીઓના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થાનિક ભૂમાફિયાઓના સાથથી અનધિકૃત રીતે દબાણ અથવા એકની જગ્યાએ અન્ય સ્થળે માપણી શીટ બેસાડી કરોડોની સરકારી માલિકીની જમીનો પચાવી પાડવાનું ષડયંત્ર લાંબા સમયથી કચ્છમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ અસલ સરકારી રેકર્ડ ગુમ કરવામાં આવતા કલેકટર સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભુજના નાગરિક ઈશ્વર દાદલાની દ્વારા ડી.આઈ.એલ.આર. કચેરી ભુજ પાસેથી નિયમોનુસાર અરજી કરી ભુજની એક તથા માંડવીની ત્રણ માપણી શીટોની માંગણી કરતા 5 દિવસ બાદ અધિકારીએ જણાવ્યું કે રેકર્ડ રૂમમાં અસલ શીટો મળતી નથી અને કદાચ ગુમ થયેલ છે. બન્ને પ્રકરણોમાં જમીનો કચ્છ કલેકટર દ્વારા મંજુર થઈ છે તે મુજબ સ્થળ પર નથી માટે અસલ માપણી શીટો જ ગુમ કરી દેવામાં આવે તો કોના પર ભરોસો કરવો ? આ પ્રકરણમાં મહેસૂલ સિટી સર્વે, ડીએલઆર સહિતની કચેરી તરફ આંગળી ચિંધાઇ છે. ભુજમાં મુંદ્રા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે તે વખતના કચ્છ કલેકટર થેન્નારસન દ્વારા સરકારી જમીન ડી.આઈ.એલ.આર. કચેરી દ્વારા માપણી શીટ બનાવાઈ નથી, છતાં ઉતાવળે જમીન મંજુરીના આદેશો 2011માં કરાયા છે. તે માપણી શીટ પણ ગુમ કરાયેલી છે. કારણ કે મુળ મંજુર થયેલ જમીન અન્ય સ્થળે ફાળવેલી છે અને હાલે બાંધકામ બીજા સ્થળે ચાલી રહ્યું છે તેવું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. મસ્કાની જમીન 46 વર્ષ બાદ અચાનક મુંદ્રા પ્રાંત અધિકારી નવી શરતમાં વિના મંજુરીએ મંજુર કરી આપે છે. તેના વેંચાણ દસ્તાવેજો બની જાય છે. ભુજ નજીક નવી જમીન રૂા. 68.00 કરોડ પ્રીમિયમ સરકારી તિજોરીમાં ભર્યા વગર જૂની શરતમાં ફેરવાઈ જાય છે. મસ્કા - માંડવીની જંગલખાતાની સુરક્ષિત જંગલની 22 એકર જમીન તત્કાલિન કલેકટર મહેન્દ્ર પટેલ દ્વારા એકની જગ્યાએ અન્ય માપણી શીટ બેસાડી અસલ રેકર્ડ ગુમ કરાવી દેવાયા છે. કચ્છના કલેકટર દ્વારા સરકારના હિતમાં શું કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer