આડેસરની પરિણીતાના હત્યારાનો આપઘાત

રાપર, તા. 4 : તાલુકાના આડેસર ગામમાં 28 વર્ષીય પરિણીતા શબાના ઉર્ફે શબુ મીઠુભાઈ ખલીફાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી નીપજાવાયેલી હત્યાના બનાવમાં જેની સામે ફરીયાદ નોંધાવાઈ હતી તે આરોપી નુરાભાઈ  મુસાભાઈ ખલીફાએ  ટ્રેન તળે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર પ્રસરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ મામલે ગત મોડી રાત્રે હતભાગી પરિણીતાનાના પતિ મીઠુભાઈ આમદભાઈ ખલીફાએ આરોપી નુરા મુસા ખલીફા સામે હત્યા સહીતની કલમો તળે ફરીયાદ નોંધાવી હતી. આડેસરના મકવાણા વાસમાં હનુમાન મંદિર સામે અવાવરૂ જગ્યામાં  હતભાગી પરિણીતાની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. ઘટના સ્થળે આડેસર પોલીસે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ મામલે ફરીયાદીએ  આરોપી નુરા ખલીફા સામે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે પરિણીતાના પતિએ આરોપી પાસેથી ધંધા માટે રૂ. 25000 લીધા હતા, તે પરત ચુકવવામાં ફરીયાદીએ વિલંબ કર્યો હતે. આ અંગેનું મનદુ:ખ રાખી આરોપી ભોગ બનનાર પરિણીતાને અવાર નવાર કહેતો હતો કે તારી સાથે બદલો લેવો છે.  જેથી સોમવારે સાંજના અરસામાં તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા મારી ઘાતકી હત્યા નીપજાવી હતી. દરમ્યાન ગત રાત્રીના 12.30 વાગ્યાના અરસામાં આરોપી નુરા ખલીફાએ ટ્રેન તળે ઝંપલાવી  આપઘાત કરી લેતા ભારે ચકચાર પ્રસરી છે. બનાવના પગલે આડેસર પોલીસ અને  રેલવે પોલીસે મોડી રાત્રીના ઘટના સ્થળે જઈને તપાસ આદરી હતી. મૃતક આરોપીની લાશને પોસ્ટ મોર્ટમ માટે  પલાંસવા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાઈ હતી. હત્યાના બનાવની વધુ તપાસ પી.એસ.આઈ વાય.કે. ગોહિલ ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે  કે અગાઉ પણ રાપરમાં નોંધાયેલા બળાત્કારના કેસના આરોપીએ પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer