ગાંધીધામના યુવાનો 300 કિ.મી.નો પંથ કાપીને માતાના મઢમાં રસી લઇ ગયા !

માતાના મઢ (તા. લખપત), તા. 4 : કોરોનાની વિઘાતક અસરોથી બચવા માટે રસીકરણ અક્સીર ઉપાય હોવાથી સંક્રમણને ફેલાતું અટકાવવા હવે 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાની ઝુંબેશ છેડાઇ છે પણ રસીનો પૂરતો જથ્થો ફાળવવા અને ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં વેઠવી પડતી મુશ્કેલીઓ વચ્ચે તીર્થધામ માતાના મઢમાં આયોજિત રસીકરણ કેમ્પમાં સ્થાનિક યુવાનોને રસીનો ડોઝ આપવાથી વંચિત રાખી અન્ય વિસ્તારના યુવાનોને રસી આપી દેવાતાં ભારે અચરજ ફેલાઈ છે.કોરોના વિરોધી રસી લેવા માટે જો 300 કિ.મી.નો ફેરો ખાવો પડતો હોય તો એનાથી વધુ હાલાકીની બાબત શી હોઇ શકે તેવો કચવાટ પણ યુવાનોમાં વ્યક્ત થતો જોવા મળ્યો હતો.માતાના મઢની પ્રાથમિક શાળાના રસીકરણ કેમ્પમાં 182 જેટલા યુવાનો-યુવતીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.ઓનલાઇન નોંધણીમાં યુવાનોને અનેક પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 200નું લક્ષ્ય રાખી રસીકેન્દ્ર શરૂ કરાયું પણ માતાના મઢ કેન્દ્રમાં ગાંધીધામ, અંજાર, ભુજ તેમજ નખત્રાણા તાલુકાના યુવાનો આવ્યા હતા. યુવાનોએ જણાવ્યું કે, અમારા તાલુકાના કેન્દ્રમાં ઓનલાઇન નોંધણી હાઉસફુલ હોવાથી અમે માતાના મઢ કેન્દ્ર પસંદ કર્યું અને અહીં આવીને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ગાંધીધામથી આવેલા યુવાને જણાવ્યું કે, પ્રથમ ડોઝ માટે આવવા-જવાનો 300 કિ.મી. પંથ કાપવો પડયો છે. એનાથી વધારે પરેશાની શું હોઇ શકે. બીજીબાજુ મા. મઢના યુવાનો ઓનલાઇન નંબર ન આવતાં નિરાશ થયા હતા અને કહ્યું હતું કે, અમને હવે ભુજ કે માંડવી તાલુકામાં રસીનો પ્રથમ ડોઝ મેળવવા માટે જવું પડશે. યુવાનોએ એવી માંગ કરી હતી કે દરેકને પોતાના તાલુકા મથકે કોરોના વિરોધી રસીનો ડોઝ આપવામાં આવે. આખા કચ્છમાં 10 કેન્દ્ર ઊભા કરી બે હજાર યુવાનોને રસી આપવા કરતાં તાલુકા મથકે કેન્દ્ર શરૂ કરી તે તાલુકાને પ્રથમ કોવિડની રસી આપો, પછી બીજા તાલુકાના યુવાનોને આપો. સાથે ઓનલાઇન નોંધણી મોટા શહેરો પૂરતી સીમિત રાખવાની માગણી કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer