ડીપીટીના મરિન વિભાગમાં 51 કર્મચારી લાંબા સમયથી લાપતા !

ગાંધીધામ, તા. 4 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના મરિન વિભાગમાં 51 જેટલા કર્મચારીઓને `લાપતા' બતાવાતા હોવાનું જણાવીને કુશળ-અકુશળ અસંગઠિત કામદાર સંગઠને આ બાબતને અત્યંત ગંભીર ગણાવી આ તમામ કામદારોની નામ સહિતની માહિતી દિવસ સાતમાં જણાવવા અનુરોધ કર્યો છે.સંગઠનના મહાસચિવ વેલજીભાઈ જાટે ડીપીટી અધ્યક્ષને એક પત્ર લખીને જણાવ્યું છે કે લાંબા સમયથી મરિન વિભાગના 51 કર્મચારીઓને કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વિના `મિસિંગ ' બતાવાઈ રહ્યા છે. પ્રશાસનના વડા કે હાર્બર માસ્ટર પાસે  આ સંબંધે કોઈ હકીકત  ઉપલબ્ધ નથી. આ 51 કર્મચારીઓને લાંબા સમયથી ગેરહાજર બતાવઈ રહ્યા છે. ગેરહાજર કર્મચારીઓના ભાગનું કામ કઈ રીતે લેવાઈ રહ્યું છે ?આ સંદર્ભે યોગ્ય તપાસ થવી જોઈએ અને શિપિંગ મૂવમેન્ટ ઉપર કોઈ અસર ન પડવી જોઈએ પરંતુ લાંબા સમયથી એ દિશામાં કંઈ થતું નથી તેવું શ્રી જાટે જણાવ્યું છે. હવે પ્રશાસન આ 51 કર્મચારીઓના નામ સહિતની વિગત દિવસ સાતમાં જાહેર નહીં કરે તો સંગઠન પ્રશાસન સામે વિરોધ કરશે. દરમ્યાન સંગઠને છેલ્લા ત્રણેક વર્ષથી ડીપીટીના એસ.સી. -એસ.ટી. સેલ દ્વારા કોઈ કામગીરી નહીં થતી હોવાનું જણાવીને આ સેલના લાયઝન અધિકારી પોતાનું પદ છોડી દે તેવી માગણી પણ કરી હોવાનું એક યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer