કોડકીમાં પરિણીતા અને આદિપુર, માધાપરમાં યુવાન દ્વારા આત્મહત્યા

ભુજ, તા. 4 : તાલુકાના નાનકડા એવા કોડકી ગામે 30 વર્ષની વયની પરિણીત યુવતી રંજનબા હરપાલાસિંહ ઝાલાએ કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું. તો બીજીબાજુ આદિપુર શહેરમાં સુપ્રત નાઇબીક (ઉ.વ.21)એ પણ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લઇને પોતાના જીવનનો અંત આણ્યો હતો. જયારે આવા જ એક અન્ય અપમૃત્યુના કિસ્સામાં ભુજ તાલુકાના માધાપર ગામે જયેશ હિંમતલાલ પરમાર (ઉ.વ.32) નામના ખાનગી નોકરીયાત યુવકે પણ ફાંસો ખાઇ લઇને આત્મહત્યા કરી હતી.પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ કોડકી ગામે નવ વર્ષ પહેલા પરણેલી અને બે સંતાનની માતા એવી હતભાગી રંજનબા ઝાલા તેના ઘરના આંગણામાં હિંચકામાં સાડી વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી હતી. તેને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ ત્યારે ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ પછવાડેના કારણોની માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જયારે અમારા ગાંધીધામ બ્યુરોના અહેવાલ મુજબ આદિપુર શહેરમાં સુપ્રત નઇબીક નામના 21 વર્ષીય યુવાનની અકળ આત્મહત્યાનો કિસ્સો ગતરાત્રે બહાર આવ્યો હતો. પોલીસે આ બાબતે આપેલી માહિતી અનુસાર ગઇકાલે સંધ્યા સમય બાદ મરનારે ઓરડીમાં ફાંસો ખાઇને આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવ વિશે રણજીત સુમાણીયા દ્વારા જાણ કરાતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કારણો સહિતની છાનબીન આદરી છે. બીજીબાજુ ભુજના પાદરમાં આવેલા તાલુકાના માધાપર ગામે ભુતનાથ મંદિરવાળી ગલીમાં રહેતા જયેશ પરમારની આત્મહત્યાનો કિસ્સો પણ બહાર આવ્યો છે. બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી વિગતો અનુસાર ખાનગી નોકરીયાત એવા મરનારે તેના ઘરમાં ફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો હતો. આ ઘટનામાં પણ નિમિત બનેલા કારણો હજુ સ્પષ્ટ થયા નથી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer