કોઠારા સહિતના ગામો જીવનજરૂરી ચીજવસ્તુની અછતથી પરેશાન

નલિયા, તા. 4 : અબડાસા તાલુકાનું કોઠારા વ્યાપારના હબ તરીકે જાણીતું છે. 35-40 ગામડાંઓની પ્રજા દૂધ, દહીં, શાકભાજી, રાશન સહિતની ચીજવસ્તુઓ ખરીદવા કોઠારા મધ્યે આવન-જાવન કરતી હોય છે. પણ છેલ્લા અઠવાડિયાથી  ગામમાં બે જૂથોના લીધે ગરીબ પ્રજા ભોગ બની રહી છે. આ બાબતે અબડાસા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ રજાક હિંગોરાએ જણાવ્યું હતું કે, કોઠારા સહિત આજુબાજુના વિસ્તાર 35-40 ગામડાંઓની પ્રજા કોઠારા ગામ પર નિર્ભર હોવાથી લોકો એક તો બીમારીના કારણે પરેશાન છે અને વળી આ જૂથબંધીના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી વંચિત લોકો પરેશાન છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખોલવામાં આવે એવી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોઠારા ગામમાં બે જૂથો છે. એક જૂથ સંપૂર્ણ લોકડાઉનની તરફેણમાં છે અને બીજું જૂથ પ્રજાને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે એવું લોકડાઉન ઇચ્છે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer