દાનબંધ થતાં પાંજરાપોળ તથા ગૌશાળાને સબસિડી આપવા માંગ

ભુજ, તા. 4 : હાલની કોરોના મહામારીના કારણે પાંજરાપોળ-ગૌશાળાઓને કાયમી પશુ સહાય સબસીડી જાહેર કરવા કચ્છ જિલ્લા પાંજરાપોળ- ગૌશાળા સંગઠને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.  હાલે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં  સમગ્ર દેશ આ મહામારીમાં છે, ત્યારે પાંજરાપોળ ગૌશાળામાં આવેલા પશુઓનો નિભાવ જીવદયા પ્રેમીઓના દાનથી થતો હોય છે. હાલની કોરોના મહામારીના કારણે લોકોના વેપાર-ધંધા બંધ પડયા છે. ત્યારે આવા જીવદયાપ્રેમીઓ તરફથી મળતી દાનની આવક બિલકુલ નહિવત છે. ત્યારે જીવદયાની કામગીરી કરતી સંસ્થાઓને પશુઓને નિભાવ કરવો ખૂબજ મુશ્કેલી ભર્યો છે. તેમજ હાલમાં  ઘાસચારાના ઉંચા ભાવે ઘાસચારો ખરીદી કરી પશુઓનો નિભાવ કરી રહયા છે. પરંતુ કોરોનાની વિકટ પરિસ્થીતીમાં લાંબો સમય પાંજરાપોળ ગૌશાળામાં નભતા પશુધનનો નિભાવ કરવો કઠીન બનતો જાય છે ત્યારે સબસિડી સહાય એક  વિકલ્પ છે તેવું સંગઠનના પ્રમુખ નવિનભાઈ મહેતાએ પત્રમાં જણાવ્યું હતું. આ અંગે તત્કાળ નિર્ણય લઈ રાજયની તમામ પાંજરાપોળ ગૌશાળાઓને કાયમી પશુદીઠ સહાય સબસીડી આપવામાં આવે તેવી પાંજરાપોળ ગૌ-શાળામાં નભતા પશુધન વતી તેમણે માંગણી કરી હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer