દેશમાં પૂર્ણ લોકડાઉનની સુપ્રીમની હિમાયત

નવી દિલ્હી, તા. 3 : કોરોનાના બીજા વંટોળમાં દેશ ભયંકર સંકટમાં સપડાઈ ગયો છે. રોજેરોજ વિક્રમી કેસો અને મૃત્યુ નોંધાઈ રહ્યાં છે. જેને પગલે ફરી એકવાર દેશમાં સંપૂર્ણ લોકડાઉનની ચર્ચા છેડાઈ ગઈ છે. આ દરમિયાન હવે સુપ્રીમ કોર્ટે પણ કોરોનાની રફ્તારને કાબૂમાં લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન ઉપર વિચાર કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે ગંભીરતાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામૂહિક મેળાવડા, સમારોહ અને સુપરસ્પ્રેડર જેવી ઘટનાઓ ઉપર પ્રતિબંધ લગાવવા માટે વિચારવા આગ્રહ કરીએ છીએ. જનહિતમાં આ વાયરસને રોકવા માટે સરકારો લોકડાઉન કરવા અંગે પણ વિચારી શકે છે. જો કે આ સાથે જ કોર્ટે હાંસિયામાં રહેતા વંચિત સમુદાયો ઉપર લોકડાઉનની વિપરીત અને માઠી અસરો ખાળવા માટે વિશેષ ઈંતઝામ સુનિશ્ચિત કરવા પણ ખાસ ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે લોકડાઉન પહેલાં આ સમુદાયની વ્યવસ્થા થઈ જવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આગળ ઉમેર્યું હતું કે, લોકડાઉન લગાવતા પહેલાં તેની સામાજિક અને આર્થિક અસરોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સુપ્રીમે કેન્દ્રને આપાતકાલીન ઉપયોગ માટે રાજ્યો સાથે મળીને ઓક્સિજનનો ભંડાર સુરક્ષિત રાખવા અને આવા ભંડારોનાં વિકેન્દ્રીકરણનો નિર્દેશ પણ આપ્યો છે. જેથી સામાન્ય પુરવઠાની શ્રૃંખલા બાધિત થાય તો તેનો તત્કાળ ઉપયોગ થઈ શકે. દિલ્હીની જમીની હાલત હૃદયદ્રાવક છે તેવું કહીને અદાલતે કેન્દ્રને એવો નિર્દેશ પણ આપ્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં ઓક્સિજનની આપૂર્તિની તંગી દૂર થવી જોઈએ. ઓક્સિજનના પુરવઠાની જવાબદારી એકબીજા ઉપર ફેંકાફેંક કરવામાં નાગરિકોનું જીવન જોખમાવું જોઈએ નહીં. કોઈપણ દર્દીને ભર્તી કરવાનો ઈન્કાર પણ થઈ શકે નહીં. પછી તેની પાસે આવશ્યક ઓળખપત્રો હોય કે ન હોય. જેની પાસે ઓળખપત્ર ન હોય તેમને પણ આપાત સેવાઓ ઉપલબ્ધ થવી જોઈએ. હોસ્પિટલોમાં દર્દીને દાખલ કરવા માટે રાષ્ટ્રીય નીતિ બનવી જોઈએ. ઉપરાંત સુપ્રીમ કોર્ટે રસીની ખરીદવાની નીતિ સુધારવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે જો આવું નહીં કરવામાં આવે તો સાર્વજનિક સ્વાસ્થ્યના અધિકારમાં અડચણ ઉત્પન્ન થશે જે બંધારણના આર્ટિકલ 21નું એક અભિન્ન અંગ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિવસમાં રોજેરોજનો ઈમરજન્સી સ્ટોક તૈયાર કરવો. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, કોરોના દર્દીઓ પાસે રહેણાકનો પુરાવો ના હોય, તો પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારો તેમને ભરતી કરવાની કે જરૂરી દવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી બે સપ્તાહમાં હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે, જેનો તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવાનો રહેશે. દેશમાં વધતા સંક્રમણનો ઉલ્લેખ કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વર્તમાન લહેર કાબૂમાં રાખવાની યોજના બનાવવાનું પણ સૂચન કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકડાઉનની સામાજિક-આર્થિક અસરોની નબળા વર્ગ પર શું અસર થશે, તેનાથી અમે વાકેફ છીએ. આમ છતાં, લોકડાઉન કરવું પડે, તો આ વર્ગની તમામ જરૂરિયાતો પૂરી કરવા યુદ્ધસ્તરે તૈયારી કરો. ગત મહિને 20 એપ્રિલે કેન્દ્ર સરકારે વેક્સિનની ખરીદીને લઈને નવી રિવાઈઝ્ડ પોલિસીની જાહેરાત કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે હવે તેઓ માત્ર 50 ટકા જ વેક્સિનની ખરીદી કરશે, જ્યારે બાકી બચેલી 50 ટકા વેક્સિન હવે સીધી રાજ્ય અને પ્રાઇવેટ કંપની મોંઘા દરે ખરીદી શકશે, પરંતુ સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ભલામણ કરી છે કે વેક્સિનની ખરીદીને કેન્દ્રિકૃત કરવી જોઈએ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિતરણને વિકેન્દ્રિકૃત કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો બંનેને આગામી 6 મહિના માટે વેક્સિન સ્ટોકની હાલની અને અનુમાનિત ઉપલબ્ધતા વિશે જાણકારી આપવા માટે કહ્યું છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer