ફાઈઝર વહારે, દેશને ચોથી રસી મળશે

નવી દિલ્હી, તા. 3 : દુનિયા આખી કોરોનાથી કણસતાં ભારતની મદદ માટે આગળ આવી રહી છે ત્યારે અમેરિકાની રસી નિર્માતા કંપનીએ પણ કોરોના સામે જંગમાં ભારતની પડખે આવતાં સાત કરોડ ડોલરની દવાઓ ભારતને મોકલાવી છે. વધુમાં આ કંપની તેની રસીને મંજૂરી માટે ભારત સાથે વાતચીત કરી રહી હોવાથી દેશમાં ચોથી રસી મળવાની શક્યતા પણ પ્રબળ બની છે. ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બુલોએ કહ્યું હતું કે, અમેરિકા, યુરોપ અને એશિયા સ્થિત વિતરણ કેન્દ્રો મારફતે અમે દવાઓ ભારતને મોકલાવી રહ્યા છીએ. તજજ્ઞોએ ફાઈઝરની આ રસીને કોરોના સંક્રમણ સામે સૌથી કારગર માની છે. રસીએ પોતાના તમામ ટ્રાયલમાં કોરોના સંક્રમણ સામે 92 ટકાથી લઈને 95 ટકા સુધી ક્ષમતા બતાવી હતી. વેક્સિનનું નામ બીએનટી162બી2 છે. જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ અસરકારક અને સુરક્ષિત કોરોના વેક્સિનની યાદીમાં સામેલ કરી છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થતા લોકોનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. મૃત્યુનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. પરિસ્થિતિ કાબૂની બહાર ગઈ છે. તેવામાં ભારત સરકાર રસીકરણને કોરોનાના સૌથી મોટા ઉપાય તરીકે જોઈ રહી છે. વર્તમાન સમયમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન ઉપલબ્ધ છે. રશિયાની સ્પૂતનિક વીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે તેમજ પહેલી મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે. ભારતમાં આવતા પહેલા ફાઇઝરે એક શરત મૂકી છે. ફાઇઝરે કહ્યું છે કે તે રસીને માત્ર સરકારી કોન્ટ્રાક્ટનાં માધ્યમથી જ આપશે. એટલે કે કદાચ રસી ખાનગી હોસ્પિટલોમાં મળશે નહીં. જ્યાં સુધી સરકાર પ્રાઇવેટ હોસ્પિટલોને રસી ન આપે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer