આડેસરમાં પરિણીતાની ઘાતકી હત્યા

રાપર, તા. 3 : કોરોનાના કહેર વચ્ચે રાપર તાલુકાના આડેસરમાં મોડી સાંજે યુવાન પરિણીતા શબુબેન ઉર્ફે શબાના મીઠુ ખલીફા (ઉ.વ.28)ની કોઈ અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા નીપજાવતાં ચકચાર પ્રસરી હતી. હત્યાના બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી છે. બનાવના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આડેસરના મકવાણાવાસ વિસ્તારમાં આજે સાંજે 5.30થી 6.30 વાગ્યાના અરસામાં હત્યાના આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. મૂળ ફતેહગઢની યુવાન પરિણીતા ઉપર કોઈ અજાણ્યા શખ્સે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાઉપરી અનેક ઘા મારી ઘાતકી હત્યા નીપજાવી હતી. ગામના મકવાણાવાસમાં આવેલી દુકાનની પાછળ અવાવરુ જગ્યામાં સાંજના અરસામાં યુવાન પરિણીતાનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. આડેસર પોલીસને જાણ થતા પી.એસ.આઈ. વાય.કે. ગોહીલ સ્ટાફ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને બનાવના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો હતો. આ લખાય છે ત્યારે રાત્રિના 12 વાગ્યાના અરસામાં ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે. આ બનાવ અંગે હતભાગી પરિણીતાના પતિ ફરિયાદ નોંધાવી રહ્યા છે. ગામમાં હત્યાના બનાવના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં ભારે ચકચાર પ્રસરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પૂર્વે મોમાયમોરા ગામમાં સવારના અરસામાં વરણુના યુવાનની તેના ગામના જ શખ્સે છરીના 20 જેટલા ઘા મારી હત્યા નીપજાવી હતી. આ ઉપરાંત ભત્રીજાએ કાકાની હત્યા નીપજાવી હોવાનો બનાવ પણ બન્યો હતો. થોડા મહિનાના ગાળામાં જ હત્યાનો વધુ એક બનાવ બનતાં પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી છે. આડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer