સુધરાઈની તિજોરી સાફ પણ ભુજમાં ગંદકી યથાવત

સુધરાઈની તિજોરી સાફ પણ ભુજમાં ગંદકી યથાવત
ભુજ, તા. 3 : શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે સફાઈનો કોન્ટ્રાકટ અપાયા છતાં આંખ ઠારતી સ્વચ્છતા ક્યાંયે નજરે પડતી નથી. ભુજના અનેક વિસ્તારો ગંદકી-કચરાથી ખદબદી રહ્યા છે. તે સાફ થવાને બદલે દર માસે સુધરાઈની તિજોરી સાફ થઈ રહી છે. ભુજમાં દર માસે અંદાજે 60 લાખનો સફાઈનો કોન્ટ્રાકટ અપાયો છે. ત્રણ ઝોનમાં વહેંચાયેલા આ કોન્ટ્રાકટ છતાં શહેરમાં અનેક સ્થળોએ કચરાના ગંજ ખડકાયેલા પડયા છે. અમુક સ્થળે તો જાણે વર્ષોથી સફાઈ થઈ જ ન હોય તેવું જાગૃત નાગરિકોને લાગી રહ્યું છે. જાગૃત શહેરીજનોના જણાવ્યા અનુસાર ભુજમાં નવી શાક માર્કેટ, હોસ્પિટલ રોડ, ભીલવાસ, કેમ્પ વિસ્તાર, લાલ ટેકરી, કલ્પતરૂ નજીક, નોડે ફળિયો, ઉમેદનગર સહિત અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી સફાઈ પાછળ સુધરાઈ લાખો રૂપિયા ખર્ચે છે. તેમ છતાં સ્વચ્છ ભુજનું સપનું સાકાર થતું નથી. અગાઉ અનેક સત્તાધીશો આવી અને ગયા પણ આ બાબતે કોઈએ દરકાર લીધી ન હોય તેવું લાગી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે, રહેવાસીઓ પાસેથી સફાઈ વેરો ઉઘરાવાય છે. મહામારી હોય કે અન્ય કપરા સંજોગોમાં શાકભાજી, ફળના ભાવ આસમાને પહોંચાડતા અને મુખ્ય વિસ્તારોની ફૂટપાથો, માર્ગને અવરોધી મફતમાં બેસતા રેંકડી-કેબિન ધારકો પાસે સુધરાઈએ સફાઈવેરો લેવાનું જ લાંબા સમયથી બંધ કરી દીધું છે. ધંધાનો સમય પૂર્ણ થતાં તમામ કચરો જાહેરમાં ફેંકી ચાલતી પકડતા આવા ધંધાર્થીઓને સફાઈવેરો કેમ લાગુ ન પડે તેવો વેધક સવાલ પણ જાગૃત નાગરિક પૂછી આવા વ્યવસાયીઓ પાસે રહેવાસીઓ પાસેથી લેવાતા વેરાથી બમણી રકમ વસૂલવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદનગર પાસેના માર્ગે લાંબા સમયથી ગાદલું એ જ જગ્યાએ પડયું છે જે દર્શાવે છે કે, આ વિસ્તારમાં સફાઈ થતી નથી. હવે જ્યારે ભુજ સુધરાઈનું સુકાન નવા હોદેદારોએ સંભાળ્યું છે ત્યારે શહેર સાચા અર્થમાં સ્વચ્છ બને અને સફાઈ પાછળ થતો ખર્ચ લેખે લાગે એવું આયોજન કરાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer