રાપર તાલુકામાં કોરોના દર્દીઓ માટે ત્રણ 108 એમ્બ્યુલન્સ

રાપર તાલુકામાં કોરોના દર્દીઓ માટે ત્રણ 108 એમ્બ્યુલન્સ
રાપર, તા. 3 : કોરોનાના નવા સ્ટ્રેનમાં દર્દીઓનો ઓક્સિજન ઘટી જવાની સમસ્યાના પગલે તત્કાલ સુવિધાની જરૂર પડે છે ત્યારે છેવાડાના રાપર તાલુકામાં કોરોનાના દર્દીઓને તાકીદની સારવાર માટે લઈ જવા રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સમાંથી ત્રણ એમ્બ્યુલન્સ રાપર તાલુકાને ફાળવવામાં આવી છે. આ ઉપરાંત રાપરના કોવિડ કેર સેન્ટરમાં દાતાના સહયોગથી વધુ ઓક્સિજન મશીન અને બોટલો રાખવા માટેની વ્યવસ્થા કરવા નિર્ણય લેવાયો હતો. તાજેતરમાં કચ્છમાં 10 નવી 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત છેવાડાના અને વ્યાપક વિસ્તાર ધરાવતા રાપર તાલુકાને ત્રણ નવી અત્યાધુનિક સેવા સાથેની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. એક તાલુકાના પ્રાથળ વિસ્તારના મુખ્યમથક બાલાસર ખાતે 24 કલાક તૈનાત રહેશે અને રાપરમાં એક દિવસના ભાગે અને એક રાત્રિના સમયે એમ બે 108 કોરોનાના દર્દીઓને રિફર કરવા માટે તૈનાત રહેશે. 108માં કોલ કરતાં કોવિડ દર્દીની જાણકારી આપ્યેથી ઓક્સિજન સહિતની સુવિધાથી સજ્જ આ એમ્બ્યુલન્સ આવી પહોંચશે. રાપર શહેરમાં આ બે 108 ગઈકાલે જ આવી પહોંચી હતી, પરંતુ આશ્ચર્ય વચ્ચે તાલુકા આરોગ્યતંત્ર આ બાબત અંગે અજાણ રહ્યું હતું. વાગડમાં એમ્બ્યુલન્સ ફાળવવા માટે સ્થાનિક ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા રજૂઆતો કરાઈ હતી. રાપર તાલુકાને ત્રણ નવી 108 ફાળવાતાં સુધરાઈ પ્રમુખ અમૃતબેન વાવિયા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ભગાભાઈ આહીર, ભચુભાઈ વૈદ, નશાભાઈ દૈયા, કેશુભા વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, બળવંત વી. ઠક્કરે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. દરમ્યાન આજે શુશ્રૂષા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વાડીલાલભાઈ સાવલા અને ઉદ્યોગપતિ અંબાવીભાઈ વાવિયાએ કોવિડ કેર સેન્ટર ખાતે પાંચ ઓકિસજન મશીન આપ્યા હતાં. આ સાથે સેન્ટરમાં 12 મશીન કાર્યરત થયા છે, તેથી ઓક્સિજનની અછત નહીં સર્જાય. આ ઉપરાંત ઓકિસજન પાઈપલાઈન ફિટ થઈ ગઈ છે, પરંતુ બોટલો રાખવા માટેની કોઈ વ્યવસ્થા ન હોઈ દાતા દ્વારા શેડ બનાવી આપવાની તૈયારી દાખવી હતી, તેમજ કોવિડ સેન્ટરમાં 18 બોટલ ઓકિસજનની ફાળવવા ડીડીઓ સમક્ષ રજૂઆત કરાઈ હતી. કોવિડના દર્દીઓ માટે જરૂરી દવા ખરીદવા દાતાઓ દ્વારા આરોગ્યતંત્રને સહયોગ આપવા ખાતરી આપી હતી. રાપરમાં એકસાથે બે નવી 108 આવી જતાં કોરોનાના દર્દીઓઁને અન્યત્ર લઈ જવામાં સરળતા રહેશે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer