કોરોનાને ડામવા વાગડ આહીર સમાજ દ્વારા લગ્ન-મરણ પ્રસંગ માટે નિયમો બનાવ્યા

રાપર, તા. 3 : કોરોનાના કહેરથી વાગડનું એક પણ ગામ બાકાત રહ્યું નથી. હાલ સંક્રમણ ઓછું થઈ રહ્યું છે પરંતુ પરિસ્થિતિ વધુ બગડે નહી તે માટે વાગડ આહીર સમાજ દ્વારા લગ્ન અને મરણ પ્રસંગ માટે નિયમો બનાવામાં આવ્યા છે. લગ્નમાં સીમીત લોકોને જ બોલાવવા અને મરણ પ્રસંગમાં બેસણા બંધ કરવા સહિતના નિર્ણયો લેવાયા હતા. તાલુકાના આડેસર ખાતે આહીર સમાજવાડીમાં વિવિધ ગામના આગેવાનોની મળેલી બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રવર્તમાન કોરોના મહામારીમાંથી બચવા માટે સમાજના તમામ લોકોને ફરજીયાત રસી અપાવવાના પ્રયાસ કરવા અને સંક્રમણ અટકાવવા ગામડાઓમાં કોઈ મેળાવડા ન કરવા નક્કી કરવામાં આવ્યું હતું. સમાજમાં કોઈનું મરણ થાય તો મરણ પ્રસંગે બેસણાનો રીવાજ હાલ પુરતો બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. મરણ પ્રસંગે નજીકના સબંધીઓ સિવાય કોઈને ફોન ન કરવા, દેહ ભરાવવા મેલા લખવા નહીં, મરણ નાનું હોય કે મોટું આવેલા સબંધીઓ માટે રાંધવું નહી, બહેનોએ કોટ પ્રથા બંધ રાખવી, કોઈ પણ જગ્યાએ દેહ ભરાય તો નજીકના સગાઓ સિવાય કોઈએ જવું નહી વિગેરે નિર્ણય લેવાયા હતા. લગ્ન પ્રસંગ માટે કંકોત્રી છાપવી નહી, ગણેશ સ્થાપના વૈશાખસુદ-11થી જ કરવી, જાહેર જમણવાર કરવા નહી, રસોઈ માટે બહારથી કંદોઈ ન બોલાવી સાદી રસોઈ કરવી, મામેરામાં 10 થી 12 અને જાનમાં 20 વ્યકિતઓએ જવું, શકય હોય તો નાના બાળકોને ન લઈ જવા સહિતના નિર્ણયો લેવાયા હતા. કોરોના મહામારીમાંથી બચવા આ નિયમોનું પાલન કરી સહકાર આપવા વાગડ આહીર યુવક મંડળના પ્રમુખ અરજણભાઈ ડાંગર, મંત્રી નાથાભાઈ આહીરે અનુરોધ કર્યો હતે. આગેવાનો ખોડાભાઈ, ભુરાભાઈ, ભગાભાઈ, લાલાભાઈ, માદેવભાઈ, આલાભાઈ, લુંભાભાઈ, નોધાભાઈ દેવદાન, ભચાભાઈ, બાઉભાઈ, દાનાભાઈ દેવાયત, રાણાભાઈ ડાયા વિગેરે હાજર રહ્યા હતા.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer