કોરોનાને માત આપવા કન્ટ્રોલરૂમની વ્યવસ્થા કરવા ભુજ ચેમ્બરની માંગ

ભુજ, તા. 3 : હાલના ભયાવહ કોરોના સંક્રમણને ખાળવા ભુજ ચેમ્બર દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે, જેમાં કન્ટ્રોલરૂમ શરૂ કરવા તેમજ ચૂંટણી સમયમાં જે રીતે ગ્રામીણ - શહેરી વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલયો ઊભા કરાય છે તેવા જ કાર્યાલયો હાલના આપત્તિકાળમાં ઊભા કરી રાજકીય સ્વયંસેવકોએ પ્રજાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજે જિલ્લા કલેકટરને પત્ર પાઠવ્યો છે, જેમાં હાલના આપત્તિકાળમાં કન્ટ્રોલરૂમની વ્યવસ્થા ઊભી કરી દરેક વિભાગની માહિતી આમ લોકો માટે ઉપલબ્ધ કરવી જોઈએ જેમ કે રેમડેસીવીર ઈન્જેકશન મળવાની વ્યવસ્થા અને નિયમો, ઓક્સિજન અને એમ્બ્યુલન્સ અંગેની વિગત, કોવિડ સેન્ટર - હોસ્પિટલની વિગતો જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર સાથેના તથા સામાન્ય બેડની વ્યવસ્થા અને ઉપલબ્ધતાની સંપૂર્ણ માહિતી કન્ટ્રોલરૂમમાંથી મળે તેવી વ્યવસ્થા કરવા પ્રમુખ અનિલ ગોર તથા મહામંત્રી જગદીશ ઝવેરીએ રજૂઆત કરી છે. આ ઉપરાંત રાજકીય લોકપ્રતિનિધિઓ પણ ચૂંટણી સમયમાં જે રીતે ગામેગામ અને શહેરી વિસ્તારોમાં જનસંપર્ક કાર્યાલયો ખોલે છે તેવા જ કાર્યાલયો હાલના આપત્તિકાળમાં ખોલવાની તાતી જરૂરિયાત છે, જેમાં તંત્ર દ્વારા અપાતી સેવા, એમ્બ્યુલન્સ, ઈન્જેકશન, ઓક્સિજન અને દવા વિગેરેની માહિતી લોકોને આવા જનસંપર્ક કાર્યાલયોમાંથી મળી રહે અને લોકોને ઉપયોગી બને તેવું પ્રમુખ શ્રી ગોરે યાદીમાં જણાવ્યું હતું.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer