રાત્રિ કર્ફ્યૂ - લોકડાઉન વેળા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવો

ગાંધીધામ, તા. 3 : લોકડાઉનને લઈને બંધ કચેરીઓ, દુકાનો, એ.ટી.એમ.ના તાળાં તૂટવા અને ચોરીના બનાવને લઈને પોલીસ પેટ્રોલિંગ મજબૂત બનાવવા માંગ ઊઠી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદ દનીચાએ એક યાદીમાં જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન તથા સરકાર દ્વારા આકરા નિયમો સાથે લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેથી રાત્રિ કર્ફ્યૂ અને લોકડાઉનના કારણે સૂનકાર ભાસી રહેલા વિસ્તારોમાં કાર્યાલયો, દુકાનો, એ.ટી.એમ.ની કેબિનમાં તોડફોડ કરી થઈ રહેલી ચોરીઓથી કાયદાના રક્ષકો સામે મોટો પડકાર ઊભો થયો છે. આ સ્થિતિમાં કચ્છના જુદા-જુદા વિસ્તારોમાં રાત્રિ પોલીસ પેટ્રોલિંગને વધુ સઘન બનાવવા, વિભિન્ન સ્થળો ઉપર સીસીટીવી કેમેરાના માધ્યમથી રાત્રિના સમયે વિશેષ નિગરાની રાખવા, અમુક એ.ટી.એમ. તથા બેન્કક્ષેત્રમાં બંધ પડેલા કેમેરા પુન: કાર્યરત કરાવવા, રાત્રિના સમયે ફરતા શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ અને સરકાર સમક્ષ તેમણે અનુરોધ કર્યો હતો.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer