જી.કે.માં છેલ્લા એક વર્ષમાં કોરોનાના સાત હજારથી વધુ દર્દીની સારવાર

ભુજ, તા. 3 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલને છેલ્લા એક વર્ષથી કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે નિયુક્ત જાહેર કરવામાં આવી છે, ત્યારથી આજ સુધી વર્ષ દરમિયાન કોરોનામાં ક્યારેક વ્યાપક ઉછાળો આવ્યો તો કેટલાક સમયગાળામાં દર્દીઓ ખૂબ ઓછા જણાયા હતા એવી કોઈપણ પરિસ્થિતિમાં દર્દીઓને સારવાર આપવાનો તબક્કો અવિરત ચાલુ રહ્યો છે. હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિ. ડો. નરેન્દ્ર હીરાણીના જણાવ્યા અનુસાર કોરોનાના દર્દીઓના આ ચડાવ-ઉતાર દરમિયાન ગંભીર કહી શકાય તેવા દર્દીથી લઈને ઓછા સંક્રમિત હોય તેવા મળીને કુલ 7000થી વધુ કોરોનાગ્રસ્તોને તબીબો, રેસિ. ડોક્ટર્સ, નર્સ અને બ્રધર્સ મળીને સારવાર આપી હતી અને એ તબક્કો આજે પણ યથાવત્ છે. સામાન્યપણે કોરોના અને ફ્લુના દર્દીઓના લક્ષણો સમાન જણાતા હોવાથી કોરોનાના દર્દીઓના ચેપ ન ફેલાય તે માટે એક અલાયદી ફ્લુ ઓપીડી શરૂ કરવામાં આવી છે, જેને પણ અંદાજે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અને આ ગાળામાં પંદર હજારથી વધુ ફ્લુના દર્દીઓને સારવાર આપવામાં આવી છે. તે દરમિયાન ઓપીડીમાં જુદા-જુદા વિભાગોમાં દર્દીઓની સારવાર પણ અપાઈ હતી, એ પરિસ્થિતિમાં બે લાખ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. દરમિયાન, 30 હજારથી વધુ દર્દીઓની ઇન્ડોર પેશન્ટ તરીકે પણ શુશ્રૂષા કરવામાં આવી હતી. આ એડમિટ દર્દીઓમાંથી 3 હજારથી વધુ વિવિધ રોગના દર્દીઓનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાત હજાર માઇનોર કહી શકાય તેવી શસ્ત્રકિયા પણ કરવામાં આવી હતી એમ ડો. હીરાણીએ વધુમાં કહ્યું હતું.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer