બેકાબૂ કોરોનાએ કચ્છમાં વધુ 214ને ભરડામાં લીધા : છ મોત

બેકાબૂ કોરોનાએ કચ્છમાં વધુ 214ને ભરડામાં લીધા : છ મોત
ભુજ, તા. 22 : રાજ્યની સાથે કચ્છમાં દિવસે ને દિવસે ભયાવહ બનતો કોરોનાનો કહેરથી અતિ ભયજનક સ્થિતિનું સર્જન થઇ રહ્યું છે, ત્યારે જિલ્લામાં કોરોનાના નવા 214 કેસ નોંધાવવા સાથે વધુ છ લોકો આ મહામારીમાં કાળનો કોળિયો બન્યા છે. ગાંધીધામમાં  કોરોનાના કેસમાં મોટો રાફડો ફાટયો  હોય તેમ શહેરમાં 55 અને તાલુકામાં  3 મળી 58 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. કચ્છમાં  કોઇ શહેર-તાલુકામાં કોરોના કેસનો  આંક 50ને પાર થયો હોય તેવું પ્રથમવાર બન્યું છે. જિલ્લા મથકમાં  સંક્રમણની વેધકતા જળવાયેલી રહી હોય તેમ શહેરમાં  32 અને તાલુકામાં 11 મળી 43 તો માંડવી શહેર-તાલુકામાં 21, રાપર શહેર-તાલુકામાં 18, નખત્રાણા 18, અંજારમાં  15, ભચાઉમાં 18, લખપત-મુંદરામાં 11, અબડાસામાં  સૌથી ઓછો 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં નોંધાયેલા 214 પૈકી 140 કેસ શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 74 કેસ નોંધાયા તો 60 દર્દીઓ કોરોનાને મહાત આપી સાજા થયા છે. જિલ્લામાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસનો આંક 5553 તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 5292 પર પહોંચી છે. વધુ છ મોત સાથે કુલ મૃત્યુ આંક 133 પર પહોંચ્યો છે અને સક્રિય કેસ 1259 પર પહોંચી ગયા છે. એપ્રિલના 22 દિવસમાં નોંધાયેલા 1644 કેસમાંથી 714 વિતેલા ચાર દિવસમાં નોંધાયા છે. તો બાવન મોત પૈકી 26 મોત પણ આ ચાર દિવસના ગાળામાં થયા છે. ભુજમાં સંક્રમણની યથાવત રહેલી ગંભીર સ્થિતિ વચ્ચે ગાંધીધામમાં કેસના પ્રમાણમાં મોટો ઉછાળો આવતાં જિલ્લાના આ બન્ને નગરોમાં ગભરાટની સાથે ઉચાટના આવરણમાં રીતસરનું ભયનું લખલખું પ્રસરી ગયું છે. યાદી અનુસાર જિલ્લામાં ખાલી બેડની સંખ્યા બુધવારની તુલનાએ ઘટીને 1260 પર પહોંચી છે. તો ગુરુવારે 3823 લોકોએ કોરોના રસી લેતાં કુલ રસી લેનારા લોકોની સંખ્યા 2,09,578 પર પહોંચી છે. કોરોનાની સાંકળ તોડવા માટે તબક્કાવાર પગલાં તો ભરાઈ રહ્યા છે પણ જે રીતે સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે તે જોતા સ્થિતિ કાબુમાં આવતાં ખાસ્સો સમય લાગી જશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. માત્ર 22 દિવસમાં સક્રિય કેસમાં 1073નો વધારો થતાં રિક્વરી રેટ ઘટીને 79.42 ટકાએ પહોંચ્યો તો સક્રિય કેસોની ટકાવારી વધીને 18.89 ટકાએ પહોંચી ગઈ છે. નોંધનીય એ પણ છે કે કોરનાના કેસમાં વ્યાપ વધવા સાથે રોજરોજ વિક્રમ સર્જવો એ પ્રવર્તમાન સ્થિતિમાં રોજિંદી બાબત બની ગઈ છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer