ગાંધીધામમાં વોક થ્રુ કોરોના પરીક્ષણ કેમ્પ શરૂ : પ્રથમ દિવસે હજારથી વધુ નમૂના

ગાંધીધામમાં વોક થ્રુ કોરોના પરીક્ષણ કેમ્પ શરૂ : પ્રથમ દિવસે હજારથી વધુ નમૂના
ગાંધીધામ, તા. 22 : બેકાબૂ બનેલી કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે કચ્છના આર્થિક પાટનગરમાં  ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝ દ્વારા ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. કોરોના તપાસ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અનોખા કેમ્પમાં  પ્રથમ દિવસે  1000થી વધુ નમૂના એકત્રિત કરાયા હતા. ડીપીટી  મેદાનમાં યોજાયેલા આ કેમ્પને સાદગીપૂર્વક સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે  ખુલ્લો મુકાયો  હતો. આ વેળાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ ઈશિતા ટિલવાણી, ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજિયા, ચેમ્બરના તેજાભાઈ કાનગડ, હરેશ માહેશ્વરી સહિતના હાજર રહ્યા હતા. સાંસદ શ્રી ચાવડાએ આ પહેલને બિરદાવતાં કહ્યું હતું કે,  આ પહેલથી અન્ય સંસ્થાઓને પણ પ્રેરણા મળશે. આ મહામારી સામેની લડાઈમાં સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થામાં પોતપોતાનું યોગદાન આપવા સૌને સ્વયંભૂ જોડાઈ જવા તેમણે અનુરોધ કર્યો હતો. 1લી મેથી શરૂ થનારાં દેશવ્યાપી રસીકરણમાં આ  જ પ્ર્રકારે લોકજાગૃતિ  અર્થે ખાસ કેમ્પનું આયોજન કરવા  તેમણે ચેમ્બરને સૂચન કર્યું હતું.  ગાંધીધામ  સંકુલને કોરોનામુક્ત કરવા માટેના આ પ્રયાસને આવકારી  સતર્ક  રહેવા ધારાસભ્ય માલતીબેને અપીલ કરી હતી. ચેમ્બરના મંત્રી મહેશભાઈ તીર્થાણીએ  આયોજનની રૂપરેખા ઉપર  પ્રકાશ પાડતાં કહ્યંy હતું કે, આ વિકટ સમયમાં અમદાવાદ સ્થિત સાલ્વસ બાયો રિસર્ચના સહયોગથી ખાસ કેમ્પનું આયોજન કરાયું છે. 1000થી વધુ ટેસ્ટ પહેલા દિવસે જ થઈ જશે, તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું. ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈને  ઉપસ્થિત અગ્રણીઓ તથા ડીપીટીના ચેરેમેન એસ.કે. મેહતાનો ડીપીટી મેદાન વિનામૂલ્યે  ફાળવવા બદલ આભાર વ્યક્ત  કરતાં કહ્યું હતું કે 24થી 48 કલાકમાં લોકોને રિપોર્ટ મળી રહે તે માટે આ પ્રકારનું આયોજન કરાયું છે. સાલ્વસ બાયો રિસર્ચના ગાર્ગીબેન અને સુફલામ સોલ્યુશન્સ પ્રા. લિ.ના મેનેજમેન્ટ  થકી ત્વરિત  આયોજન દ્વારા  શકય બન્યું હોવાનું કહી તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કેમ્પમાં  ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ માટે પાંચ સ્ટેશન અને વોક થ્રુ ટેસ્ટિંગ માટે એક સ્ટેશન સાથે  પાણી  અને ટ્રાફિક નિયમનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમ્પ સવારે  7થી  બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી  તા. 29/4 સુધી કાર્યરત રહેશે. તપાસ કરાવનારે આધારકાર્ડ સાથે  સરકારે  નિર્ધારિત કરેલી રૂા. 700 ટેસ્ટિંગ ફી ચૂકવવી પડશે, તેવું શ્રી જૈને ઉમેર્યું હતું.   ચેમ્બરના કારોબારી સભ્ય મોહનલાલ ગોયલ અને નંદલાલ ગોયલના આ વિકટ સંજોગોમાં ઓક્સિજન પુરવઠો અને  હોસ્પિટલની સુવિધા વધારવા માટેના પ્રયાસોને યાદ કરાયા હતા.  અંતમાં  આવેલા અતિથિઓએ ટેસ્ટિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer