બંધના એલાનથી બકાલાની ધૂમ ખરીદી

બંધના એલાનથી બકાલાની ધૂમ ખરીદી
ભુજ, તા. 22 : શુક્રવારથી સોમવાર સુધી શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે તેની આગોતરી તૈયારીના ભાગરૂપે બે દિવસથી જ સવાર-સાંજ બજારમાં ગિર્દી જોવા મળે છે. આમ કોરોના સંક્રમણથી બચવાની મથામણમાં કયાંક-કયાંક આવી રીતે કોરોનાને આમંત્રણ અપાઈ રહ્યાની દહેશત થઈ છે. બીજી તરફ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે ત્યારે દર્દી-બરદાસીઓ પણ બંધના લીધે મુશ્કેલીમાં મુકાયાની સંભાવના જોવાઈ રહી છે. ત્રણ દિવસ સ્વયંભૂ બંધ થયાના વિવિધ પ્રત્યાઘાતો સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને શાક-બકાલની આગોતરી ખરીદી કરવા આજે લોકો રીતસરના બજારમાં તૂટી પડતાં વેપારીઓને તડાકો પડયો હતો. બીજી તરફ આ તકનો લાભ લઈને વિવિધ શાકભાજીઓના ભાવ પણ બેગણા વધુ લેવાયા હોવાનું?ચિત્ર સામે આવ્યું છે. તેમજ ઢોર પણ ન ખાય તેવા માલનો ઉપાડ થતાં સૂપડા-સાફ થઇ ગયા હતા, દરમ્યાન હાલ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે ત્યારે દર્દીઓ તથા બરદાસીઓ આ બંધના લીધે મુશ્કેલીમાં મુકાશે. લોજ બંધ રહેવાથી બરદાસીઓને સગવડ માટે ફાંફાં મારવા પડશે. દરમ્યાન ભુજની જથ્થાબંધ શાક માર્કેટના પ્રમુખ જાદવજીભાઈ દબાસિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સ્વૈચ્છિક બંધ માટે જથ્થાબંધ બજારમાં ફરાવાયેલા સર્ક્યુલરમાં 80 ટકા લોકોએ સહી કરી મંજૂરીની મહોર મારી છે, જ્યારે અમુક લોકો પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખશે તેવું કહ્યું છે. દરમ્યાન સામાન્ય કાછિયાઓનો સંપર્ક કરતાં પ્રાપ્ત વિગતો મુજબ અમુક લોકો જૂનો પડેલો માલ તથા સવારે સીધા આવતા ખેડૂતો પાસેથી ખરીદી કરશે તેમજ અમુક જથ્થાબંધના વેપારીઓ ચાલુ રાખવાના હોવાથી ત્યાંથી પણ ખરીદી થશે. આમ અંદાજે 50 ટકા શાક-બકાલાના ધંધાર્થીઓ વેપાર કરશે તેવું ચિત્ર હાલના તબક્કે સામે આવ્યું છે. દરમ્યાન આ સ્વૈચ્છિક બંધ હોવાથી જો કોઈ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખશે તો તેના ઉપર તેમજ દિવસના ભાગના રાહદારીઓ ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી થશે નહીં તેવું પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના સંક્રમણને કાબૂમાં લેવા જેમ બને તેમ ભીડભાડ ન થાય તે જરૂરી છે. લોકો પણ વિના કારણ ઘરથી બહાર ન નીકળે તેવી અપીલ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer