ભુજમાં મહામારીની મંદીના કારણે મકાઈના ચારાના ભાવ ગગડયા

ભુજમાં મહામારીની મંદીના કારણે મકાઈના ચારાના ભાવ ગગડયા
ભુજ, તા. 22 : ગત વરસથી જ શરૂ થયેલી વિશ્વવ્યાપી કોરોનાની મહામારીએ ચાલુ વર્ષે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે દિનપ્રતિદિન આ મહામારીના રોગમાં સંક્રમિત દર્દીઓના આંક રાત-દિવસ વધ્યા જ કરે છે. એક બાજુ લોકો દુ:ખી છે અને બીજી બાજુ પશુ-પક્ષીની હાલત પણ કફોડી બની છે. પાંજરાપોળમાં આશ્રિત અબોલા જીવોને વર્તમાન સિઝનમાં લીલી મકાઈના ભાવ ઓછા હોવા છતાં કોરોનાની બીજી લહેરના લીધે મંદીના વાતાવરણમાં જીવદયાપ્રેમીઓ આગળ ન આવવાના કારણે મોટી આશાએ મકાઈનું વાવેતર કરનારા ખેડૂતો પણ વાજબી મકાઈના ભાવ નથી મળતા પરિણામે મહેનત પર પાણી ફરી વળ્યું હોવાનો અફસોસ વ્યક્ત કરે છે. ભુજની ઉત્તરાદે સીમાડામાં આંટો મારતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં રૂા. 90 અને 100ના મણે મકાઈ વેચાઈ હતી પણ જેવી કોરોનાની બીજી લહેર શરૂ થતાં ભાવ ગગડવા મંડયા ને અત્યારે રૂા. 50ના મણે છૂટથી મકાઈ મળી રહી છે. પાટનગરના ઉત્તરાદે શહેરના વહેતા ગટરના પાણી સીમાડાના ખેડૂતોને મળતા હોવાથી લીલી મકાઈ લહેરાઈ રહી છે. મકાઈની સમયમર્યાદા પૂરી થતી હોવાથી હવે જુવારના વાવેતરની તૈયારી શરૂ કરવામાં આવશે. આમ તો જાન્યુ.માં વાવેતર કરાયેલી મકાઈના પાક માર્ચની પાછલી તારીખો અને એપ્રિલ મહિનામાં મોટા ભાગની પાંજરાપોળમાં પહોંચતી થતી હોવાના કારણે તૈયાર પાકના ભાવ સારા મળે છે, પણ મંદીના કારણે જીવદયાપ્રેમીઓ જેટલા જોઈએ તેટલા આગળ ન આવતા હોવાના કારણે મકાઈના ચારાના ભાવ ઊંચકાયા નથી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer