મુંદરામાં લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ

મુંદરામાં લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ
મુંદરા, તા. 22 : કોરોના સંક્રમણની ચેન તોડવા માટે મુંદરા-બારોઇમાં લેવાયેલા નિર્ણય મુજબ આજથી શરૂ થયેલા લોકડાઉનને અહીં તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું અને નગરની તમામ ગતિવિધિ ઠપ બની હતી. વેપારીઓએ મહામારી સામે એકતાના દર્શન કરાવ્યા હતા. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં મળેલી મિટીંગમાં લેવાયેલા સામુહિક નિર્ણયને આજે વ્યાપક પ્રતિસાદ સાંપળ્યો હતો. નગરમાં ઔદ્યોગિક વિકાસ થકી બજારોમાં વ્યાપક અવરજવર રહેતી હોય છે. પરંતુ આજના લોકડાઉનના પગલે સંક્રમણ પણ રોક લાગવાની શકયતા જોવાઇ રહી છે. દરમ્યાન પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો. બારોઇ રોડ, શક્તિનગર, બસ સ્ટેશન, કંદોઇ બજાર, માંડવી ચોક, બારોઇ રોડ સહિતના સ્થળો સુમસામ બન્યા હતા અને ગત વર્ષના લોકડાઉનની યાદ તાજી થઇ હતી. દરમ્યાન ધારાસભ્યશ્રી જાડેજાના માર્ગદર્શન તથા સહયોગથી સુધરાઇ પ્રમુખ કિશોરસિંહ પરમાર, ઉપપ્રમુખ પ્રકાશ પાટીદાર, કારોબારી ચેરમેન ડાહ્યાભાઇ આહિર, વેપારી એસો.ના પ્રમુખ રહીમભાઇ ખત્રી, શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશીએ આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે, જો કોઇ મુશ્કેલી હોય તો જણાવવી, તેમ આગામી દિવસોમાં પણ આ પ્રમાણે અમલીકરણ કરાશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer