ભુજના વોર્ડન નં. બે-ત્રણમાં ચકાસણી વિના નખાતા વીજ પોલથી મુશ્કેલી

ભુજના વોર્ડન નં. બે-ત્રણમાં ચકાસણી વિના નખાતા વીજ પોલથી મુશ્કેલી
ભુજ, તા. 22 : શહેરના વોર્ડ નં. બે અને ત્રણમાં આડેધડ નખાયેલા વીજ પોલને પગલે મુશ્કેલી થતી હોવાથી દૂર કરવા અને વિસ્તારોમાં પ્લોટ અને માર્ગની સ્થિતિ જાણી થાંભલા નાખવા નગરસેવક દ્વારા પીજીવીસીએલના મુખ્ય ઇજનેરને રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતમાં કાસમ કુંભાર (ધાલાભાઈ)એ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાનાં વોર્ડ બે અને ત્રણમાં આવેલા વિસ્તારો જેમ કે, આશાપુરાનગર, એરપોર્ટ રોડ મહિલા આશ્રમ પાછળ, અંજલિ નગર, મેહુલપાર્ક પાસે, સુરલભિટ્ટ રોડ પર આવેલા રેલવે ફાટક પાસે, ગાંધીનગરી, શેખફળિયા, સીતારા ચોક, ભીડ ગેટથી સરપટ ગેટ વચ્ચે બિસમિલ્લા દૂધ ડેરી સામે જેવા વિસ્તારોમાં વીજળીનાં થાંભલાઓ સડી ગયા છે અને ગમે ત્યારે ધરાશાયી થઇ જાનહાનિ નોતરશે. ઉપરાંત પી.જી.વી.સી.એલ.ના કર્મીઓ અનેક વિસ્તારમાં લે આઉટ પ્લાન જોયા વિના થાંભલાઓ ખોડી દે છે, જેથી રસ્તાઓ બનાવવા અને ગટર લાઇન નાખવામાં ખૂબ જ તકલીફ પડે છે. તેમજ ખાનગી પ્લોટમાં પણ થાંભલાઓ નાખી દેવાને કારણે માલિક મકાન બનાવવા સમયે તકલીફમાં મુકાય છે તેમજ તે થાંભલા દૂર કરાવવા માટે વ્યવહારો કરવા પડતા હોવાનો આક્ષેપ પણ કાસમભાઇએ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઉપરોક્ત બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં દાદ મળતી નથી. જેથી ઉપરોક્ત બાબતની ગંભરતા લઇ સત્વરે પગલાં ભરાય તેવી માંગ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer