સદીવીર પડીક્કલ અને વિરાટે રાજસ્થાનને રોળી નાખ્યું

મુંબઇ, તા. 22 : રાજસ્થાન પર 10 વિકેટે ધાક જમાવતો વિજય મેળવીને બેંગ્લોરે ચાર જીત સાથે પોઇન્ટ ટેબલ પર ફરી ટોચનું સ્થાન મેળવી લીધું હતું. સદીવીર દેવદત્ત પડીક્કલ (પ2 દડામાં 11 ચોગ્ગા અને છ સિક્સર સાથે 101 રન અણનમ) અને કપ્તાન વિરાટ કોહલી (47 દડામાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 72 રન અણનમ)એ રાજસ્થાનના બોલરોની ખૂબ ધોલાઇ કરી હતી અને 16.3 ઓવરમાં જ 178નું લક્ષ્ય વટભેર આંબ્યું હતું. અગાઉ બેંગલોરે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાને  શરૂઆતી વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી અને એક  સમયે સ્કોર 4 વિકેટે 46 રન થયો હતો. જો કે શિવમ દુબે અને રાહુલ તેવતિયાની બેટિંગની મદદથી રાજસ્થાન બેંગલોર સામે 178 રનનું લક્ષ્યાંક રાખવામાં સફળ થયું હતું. મેચમાં બેંગલોર તરફથી મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલે 3-3 વિકેટ લીધી હતી. રાજસ્થાનની પહેલી વિકેટ 14 રનના કુલ સ્કોરે પડી હતી. જેમાં બટલર 8 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મનન વોહરા પણ 7 રનના અંગત સ્કોરે પેવેલિયન પરત ફર્યો હતો અને ડેવિડ મિલર શુન્યમાં આઉટ થતા રાજસ્થાનનો સ્કોર 3 વિકેટે 18 રન થયો હતો. સંજુ સેમસને સ્કોર આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે 21 રન બનાવી શક્યો હતો. એક સમયે રાજસ્થાન 150 રન સુધી પહોંચે તેવી શક્યા પણ ઓછી હતી. જો કે શિવમ દુબેએ બાજી સંભાળી હતી અને 32 બોલમા પાંચ ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 46 રન કર્યા હતા. આ ઉપરાંત રિયાન પ્રયાગે 16 બોલમાં 25 રન અને રાહુલ તેવતિયાએ મહત્ત્વપૂર્ણ 23 બોલમાં 40 રન કરીને રાજસ્થાનને મજબૂત સ્થિતિમા પહોંચાડયું હતું. જેના પરિણામો રાજસ્થાનને નિયત 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને 177 રન કર્યા હતા. બેંગલોર તરફથી સિરાજ અને હર્ષલ પટેલે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે જેમિસન, રિચાર્ડસન અને વોશિંગ્ટન સુંદરને એક એક વિકેટ મળી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer