આર્થિક નુકસાની કરતાં આરોગ્ય જરૂરી : `ભુજ બંધ'' માટે દરેકને સમજાવાયા

ભુજ, તા. 22 : હાલ કોરોનાની મહામારી કહેર વરસાવી રહી છે. ત્યારે તેની સંક્રમણની સાંકળને તોડવા લોકડાઉન જરૂરી હોવાથી સ્વયંભૂ લોકડાઉનને સફળ બનાવવા `જાન હૈ તો જહાન હૈ'સૂત્રને આગળ ધરી હાલ આર્થિક નુકસાની કરતા આરોગ્ય જરૂરી હોવાની સમજાવટ સાથે બંધને સમર્થન આપવા દરેક નાના-મોટા વેપારીઓને સમજાવામાં આવ્યા હતા. ત્રણ દિવસના ભુજ બંધમાં મોટા મોલ પણ જોડાશે. તો નગરપાલિકા દ્વારા બાગ-બગીચા ઉપરાંત લોક-વે પર પણ ત્રણ દિવસ બંધ રાખવાની સહમતિ સધાઈ છે. હાલમાં સંકટ સમયમાં જે પ્રયત્નો થાય છે તે આવકાર્ય છે. પરંતુ કોરોના સંક્રમણ ઘટાડવા લોકડાઉન જરૂરી છે. તેવું ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરે જણાવી ચેમ્બર માટે વેપારીઓ તથા લોકોનું?હિત જરૂરી છે. આથી આ બંધમાં દરેક નાના-મોટા વેપારીઓ જોડાય તે જરૂરી છે. ચેમ્બરની વિનંતીના પગલે શહેરના વિવિધ મોટા મોલ પણ બંધમાં જોડાવાની સહમતિ આપી હોવાનું મહામંત્રી જગદીશભાઈ ઝવેરી તથા મીડિયા કો-ઓર્ડિનેટર ભદ્રેશભાઈ દોશીની યાદીમાં જણાવાયું છે. બીજી તરફ આજે ટાઉનહોલ ખાતે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ આર. ઠક્કરના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના તમામ નગરસેવકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા. 23થી 25 સુધી સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન આપવા તમામ ઉપસ્થિતોએ સહમતી બતાવી હતી. ઘનશ્યામભાઈ દ્વારા ભુજ નગરપાલિકા જાહેર જગ્યા બાગ-બગીચા તેમજ વોક-વેને ત્રણ દિવસ માટે સંપૂર્ણ?બંધ રાખવાની દરખાસ્ત કરાતા તમામ નગરસેવકોએ બે હાથ ઊંચા કરીને સર્વાનુમતે નિર્ણણ લેવાયો કે ઉપરોક્ત જગ્યાઓ પ્રજાજનો માટે બંધ રહેશે. આ બેઠકમાં નગરસેવકો મનુભા જાડેજા, મહિદીપસિંહ જાડેજા, કમલ ગઢવી, બિંદિયાબેન ઠક્કર, રસીલાબેન પંડયા, અબ્દુલ હમીદ સમા મરિયમબાઈ સમા, કાસમ સમા વગેરે સૂચનો કર્યા હતા. પ્રમુખ શ્રી ઠક્કરે લોકોને નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે કચ્છમાં કોરોના વધતો જાય છે. ભુજમાં પણ કેસ વધતા જાય છે. ત્યારે આપણે સૌ સાથી રહીને ભુજને કોરોનામુક્ત બનાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાઈએ વધુમાં આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા બદલ ભુજ ચેમ્બર તેમજ સમાજ, સંસ્થા અને વેપારી એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો. બેઠક દરમ્યાન નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ તમામ નગરસેવકોને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું. કોરોનાની સાંકળને તોડવાના પ્રયાસરૂપ ત્રણ દિવસ ભુજ બંધને ફોટોગ્રાફી કલર લેબે પણ ટેકો જાહેર કરી દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયાનું પ્રકાશ ગાંધીએ જણાવ્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer