થેલેસેમિયા-ડાયાલિસીસ માટે રક્તની અછત

ભુજ, તા. 22 : કોરોનાએ સ્વૈચ્છિક રકતદાનને પણ ભીંસમાં મૂકતાં કચ્છની દરેક બ્લડ બેન્ક રકતની અછત અનુભવે છે. ઘણા દર્દીઓને પ્લાઝમા રકતની જરૂર પડે છે તો થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને ડાયાલિસીસવાળાને નિયમિત જરૂર પડતી હોવાથી તેમની મુશ્કેલી નિવારવા રકતદાતાઓને સ્વૈચ્છિક રીતે રકતદાન કરવા માટે આગળ આવવાની બે દાયકાથી રકતદાન ક્ષેત્રે કાર્યરત   સંસ્થાએ અપીલ કરી છે. કોરોનાના કારણે  બ્લડબેન્કમાં સ્વૈચ્છિક રકતદાતાઓ  રકતદાન નથી કરી શકતા. હાલ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસથી લોકોને રક્ષણ આપવા માટે કોવિશિલ્ડ રસી આપવામાં આવે છે. 45 વર્ષથી ઉપરના પહેલો ડોઝ અથવા બીજો ડોઝ લીધા બાદ  1 મહિને રકતદાન કરી શકે છે અને જે કોવિડ-19 વાયરસનો ભોગ બન્યા હોય તે લોકો ચાર મહિના બાદ રક્તદાન કરી શકે છે. આગામી પહેલી મેથી  18 વર્ષથી ઉપરના લોકોને કોવિશીલ્ડ વેક્સિનના ડોઝ લેનારા બે મહિના રકતદાન નહીં કરી શકે.દરેક સેવાભાવી રકતદાતાઓને રસી લેવા પહેલા કચ્છમાં કોઇપણ બ્લડબેન્કમાં સ્વૈચ્છિક રકતદાન કરવા `સક્ષમ' સંસ્થા દ્વારા અપીલ કરાઇ છે. હાલે અકસ્માત, પ્રસૂતિ હોય ત્યારે  ઇમર્જન્સીમાં લોહીની જરૂર પડે ત્યારે  ઘણા કિસ્સામાં રકતની અછત હોતાં દર્દીઓના  સગાને તકલીફ પડતી હોય છે. થેલેસેમિયાના બાળ દર્દીને જો સમયસર  રકત રકત ના મળે તો તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે. ડાયાલિસીસના દર્દીઓને પણ રકતની જરૂર પડે છે. દરેક ગામમાંથી 5થી 10 લોકો રક્તદાન કરવા આગળ આવે તેમજ ઔદ્યોગિક એકમો માંથી 10થી 15 જણાને રકતદાન   કરવાની પ્રેરણા અપાય છે. રકતની અછતની વિકટ પરિસ્થિતિને પહોંચી શકાય તેમ છે. હાલ કોરોના સંક્રમણના કારણે રકતદાન કેમ્પનું આયોજન શક્ય નથી તેથી સ્વૈચ્છિક રકતદાન બ્લડબેન્કમાં કરાય તે હિતાવહ છે. હાલ પવિત્ર રમજાન મહિનાના કારણે મુસ્લિમ સમાજના લોકો રોજા રાખતા હોય તે રક્તદાન નથી કરી શકતા. તે રોઝો છોડયા પછી સ્વૈચ્છિક રકતદાન માટે આગળ આવે. રકતદાન મહાદાનને સાર્થક કરવા યુવા સંગઠનો, સમાજો સંસ્થાઓ સહયોગી બને તેવી સક્ષમની ટીમે અનુરોધ કરતાં રકત મેળવવા માટે સાજીદ મેમણ-98250 61186, અમીષ મહેતા-87958 12345, શિતલ શાહ-98256 08606નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer