ગાંધીધામ સંકુલમાં પરપ્રાંતીય શ્રમિકોને સુરક્ષાની ખાતરી જરૂરી

ગાંધીધામ, તા. 22 : એક વર્ષ પહેલાં કોરોના સંક્રમણની પ્રથમ લહેર વખતે કચ્છ સહિત દેશભરમાં  પરપ્રાંતીય શ્રમિકોના સ્થળાંતરે મોટી સમસ્યા સર્જી હતી. આ વખતે બીજી લહેર વધુ વિકરાળ છે અને જો આ તમામ પરપ્રાંતીય શ્રમિકાને સ્થાનિકે કોરોના સામે  સુરક્ષાની પૂરતી ખાતરી નહીં મળે તો દીનદયાળ મહાબંદર સહિત કચ્છના ઉદ્યોગોને આ શ્રમિકોનું જો સ્થળાંતર થાય તો મોટો  ફટકો પડવાની સંભાવના ઊભી થઇ છે.દીનદયાલ પોટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી તથા કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચએમએસ)ના પ્રમુખ એલ. સત્યનારાયણે કચ્છ જનરલ મજદૂર સંઘના પ્રમુખ સંતોષ મિશ્રાની રજૂઆતને ટાંકીને  આ અંગે ડીપીટી અધ્યક્ષ એસ.કે. મેહતાને  પત્ર પાઠવીને કોરોના સંદર્ભે પરપ્રાંતીય શ્રમિકો માટે વ્યવસ્થા ઊભી કરવા અનુરોધ કર્યો છે.કામદાર સંગઠનના આ બંને આગેવાનોના જણાવ્યા પ્રમાણે મહાબંદરે માલ-સામાનની હેરફેરમાં પરપ્રાંતીય શ્રમિકોનો મોટો ફાળો છે. અંદાજે 10 હજાર જેટલા કામદારો આ કાર્યમાં જોતરાયા છે. કોરોનાના વધતા સંક્રમણ સામે આ કામદારોને સુરક્ષા-શુશ્રૂષાનો સધિયારો નહીં મળે તો સ્થળાંતર થશે જે કચ્છના ઉદ્યોગજગતના હિતમાં નથી.બિહાર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હરિયાણા, તામિલનાડુ વગેરે રાજ્યોના આ શ્રમિકો કંડલા, સુંદરપુરી, કાર્ગે ઝૂંપડા, આંબેડકરનગર વગેરે વિસ્તારમાં વસવાટ કરે છે. એક એક રૂમમાં આઠ-દસ જણ સાથે રહે છે. આ સંજોગોમાં જો કોરોના પ્રસરે તો ભારે ચિંતાજનક સ્થિતિ સર્જાય.મહાબંદરના વિકાસમાં પાયાનું યોગદાન આપનારા આ શ્રમિકો માટે હંગામી હોસ્પિટલ, કોરોના સામે જરૂરી સારવાર વગેરે જો ઉપલબ્ધ કરાવાય તો આ તમામાનું સ્થળાંતર અટકી શકે છે. દેશના નંબર વન મહાબંદર દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ દિશામાં ઝડપથી નિર્ણય લેવાય તેવો આ બંનેએ અનુરોધ કર્યો હતો. દરમ્યાન શ્રી મિશ્રાએ જણાવ્યું હતું કે, આવતીકાલે  ડીપીટીની બોર્ડ બેઠક મળી રહી છે તેમાં શ્રમિકોના આ મુદ્દાને  લઇને કોઇ નિર્ણય થાય તે જરૂરી છે. આ પરપ્રાંતીય શ્રમિકો કચ્છને કર્મભૂમિ બનાવીને રહે છે અને તેઓ કચ્છનો ઔદ્યોગિક વિકાસ પોતાના ખભે ઊંચકી રહ્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer