કચ્છના વધુ 13 ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું

ભુજ, તા. 22 : કચ્છમાં કોરોના સંક્રમણના સતત વધતા વ્યાપ વચ્ચે આ મહામારીની સાંકળને તોડવા માટે જિલ્લાના વધુ 12 ગામે સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવ્યું છે. અબડાસાના મુખ્ય મથક નલિયામાં વેપારીઓ દ્વારા 3 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનું નક્કી કરાયું છે. વેપારી એસોસીએશનના પ્રમુખ હકૂમતસિંહ એચ. જાડેજાના પ્રમુખસ્થાને મળેલી બેઠકમાં કોરોનાનું સંક્રમણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે ત્યારે કોરોનાની ચેઈન તોડવી આવશ્યક હોઈ તા. 24/4/21 શનિવારથી તા. 26/4/21 સોમવાર સુધી 72 કલાક સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે.કોટડા (જ.) ગામે તા. 30/4 સુધી ગામના દરેક ધંધાર્થીઓએ પોતાના ધંધા બપોરે બે વાગ્યા પછી બંધ રાખવાનું નક્કી કર્યું છે. સરપંચ પ્રેમજીભાઈ ભગત અને ઉપસરપંચ આધમ જાગોરાની અપીલને વેપારીઓ અને ગ્રામજનોએ વધાવી લીધી છે. નખત્રાણા તાલુકાના આમારા ગામે પણ 30મી સુધી સ્વૈચ્છિક લોકડાઉન જારી કરાયું છે. માંડવી તાલુકાના ગોધરા ગામે વેપારી સંગઠનની સહમતી અને ગ્રામ પંચાયતના સહયોગથી તા. 23/4થી 30/4 સુધી બપોરના 1.00થી સવારના 6.00 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેવું સરપંચ દેવાભાઈ રબારી અને ઉપસરપંચ વર્ષાબેન કન્નડે જણાવ્યું હતું. મુંદરા તાલુકાના વડાલામાં તમામ દુકાન, હોટલો, ફેરિયા, લારીવાળા સવારે 7થી બપોરના 2 વાગ્યા સુધી પોતાના ધંધા-રોજગાર ખુલ્લા રાખી શકશે. ત્યારબાદ બંધ રાખવા તમામને અપીલ કરાઈ છે. તો શિરાચા ગ્રામ પંચાયત દ્વારા પણ 30/4 સુધી ગામની તમામ દુકાનો, પાનના ગલ્લા, ચા, શાકભાજીની લારી બપોરના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. દૂધની ડેરી, મેડિકલ, અનાજ દળવાની ઘંટી ખુલ્લા રહેશે. તો માંડવીના પીપરી ગામે શિવમંદિરના પટાંગણમાં કચ્છ જિલ્લા ક્ષત્રિય સંઘાર સમાજના પ્રમુખ વાલજીભાઈ સંઘાર, સરપંચ રતનબેન હરજી સંઘાર, સંઘાર સમાજની સમૂહલગ્ન સમિતિના પ્રમુખ લક્ષ્મીચંદભાઈ સંઘારની આગેવાનીમાં ગામમાં અગ્રણીઓ-વેપારીઓ, ખેડૂતો વગેરે સાથે ચર્ચા-વિચારણા કરી સર્વસહમતીથી ગામમાં તા. 30/4 સુધી સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવા નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત વિભાપર, ગુંદિયાળી, દેવળિયા, ગંગોણ સહિતના ગામોએ પણ 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવવાની જાહેરાત કરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer