ભુજપુરની બરોડા બેંકમાં ખાતેદારો અને ગ્રાહકોને ભારે હાલાકીની ફરિયાદ

ભુજપુર (તા. મુંદરા), તા. 21 : અહીંની બેંક ઓફ બરોડા શાખામાં ગ્રાહકો, ખાતેદારો વિ.ને ભોગવવી પડતી મુશ્કેલી નિવારવાની માગણી તા.પં. સદસ્ય મહિપતસિંહ જાડેજાએ  કરી છે. બેંક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજરને પાઠવેલા પત્રમાં શ્રી જાડેજાએ જણાવ્યું છે કે, સંબંધિત શાખામાં ભુજપુર સહિત આશરે 8થી 10 ગામનાં લોકો બેંકનાં અલગ-અલગ કામ તેમજ નાણાકીય લેવડ-દેવડ માટે આવે છે. ગ્રામ વિસ્તારમાં અભણ લોકો હોવાથી જમા તેમજ ઉપાડનાં ફોર્મ ભરવા માટે કોઇ જ સુવિધા બેંક દ્વારા કરાઇ નથી. તેમજ સ્ટાફ દ્વારા સંબંધિતોને યોગ્ય સહકાર, સલાહ મળતા ન હોવાની ફરિયાદો પણ બહાર આવી છે. દેનાબેંકનું આ શાખામાં વિલીનીકરણ થયા પછી કોરોના વાયરસના નિયમોનું પાલન કરવા માટે પૂરતી જગ્યા ન હોવાથી મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ બહાર પાર્કિંગ વ્યવસ્થા  પણ ન હોવાથી ગામના મુખ્ય માર્ગ પર પાર્ક થતા વાહનોથી વાહનચાલકો, રાહદારીઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે તેવું તેમણે કહ્યું હતું. શ્રી જાડેજાએ ગ્રાહકોને લાંબા સમયથી ભોગવવી પડતી મુશ્કેલી નિવારવાની માગણી કરી હતી તેમજ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને દરમ્યાનગીરી કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા ભલામણ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer