કચ્છમાં 108 દ્વારા દસ દિવસમાં 1500 જણને હોસ્પિટલ ખસેડાયા

ગાંધીધામ, તા. 22 : કોરોના મહામારીએ સરહદી એવા કચ્છ જિલ્લામાં અનેક લોકોને ઝપટમાં લઈ લીધા છે. દરરોજ લોકોનાં મોત થઈ રહ્યાં છે. વધતા કેસોની સંખ્યા વચ્ચે જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ પણ સતત દોડી રહી છે. જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 108એ 1500 જેટલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડયા છે. કોરોનાકાળના પગલે 108 એમ્બ્યુલન્સ સેવા પણ સતત દિવસ-રાત દોડી રહી છે. અગાઉ અકસ્માત, આપઘાત કે અન્ય બનાવોમાં 108માં દરરોજ ત્રણ જેટલા કોલ આવતા હતા જે હવે વધી ગયા છે. જિલ્લામાં 108ની 30 એમ્બ્યુલન્સ છે. જેમાં પાઈલટ, ઈ.એમ.ટી. વગેરે થઈને 150 લોકો પોતાની સેવા આપી રહ્યા છે તથા 10 પાઈલટ અને 10 ઈ.એમ.ટી.ને રિલિવર તરીકે રખાયા છે.કોરોનાકાળમાં પાઈલટ અને ઈ.એમ.ટી.ને રાહત, રજા મળી રહે તે હેતુથી 7થી 8 નવા સ્ટાફની પણ ભરતી કરાઈ હોવાનું કમલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું. છેલ્લા દસેક દિવસથી કોરોના સંબંધિત અને શંકાસ્પદ કોરોના સંબંધિત દર્દીઓના કોલ વધી ગયા છે. અગાઉ જિલ્લામાં 30માંથી દર એક 108 માટે ત્રણ કોલ આવતા હતા. હવે દર 108 એમ્બ્યુલન્સ માટે દરરોજ પાંચ કોલ આવે છે. જેમાં લગભગ બધા કોરોના સંબંધિત દર્દીઓ હોય છે. હોસ્પિટલમાં પહોંચાડતી વેળાએ હોસ્પિટલોમાં વેઈટિંગ હોવાથી 108માંથી દર્દીને બહાર ન લઈ જવાય ત્યાં સુધી એમ્બ્યુલન્સને ત્યાં જ ઊભવું પડતું હોય છે તેમજ આપણો જિલ્લો ભૌગોલિક દૃષ્ટિએ પણ મોટો હોવાથી દર્દીને જલ્દીથી સારવાર મળે તે માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાતો હોય છે. હાલમાં કોરોનાના પગલે સ્ટાફની લાંબી રજાઓ પણ રદ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા દસેક દિવસમાં 108 સેવાએ 1500 જેટલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલોમાં પહોંચાડયા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer