નખત્રાણામાં શિક્ષક દંપતીના ઘરમાં 3.82 લાખની ચોરી

નખત્રાણામાં શિક્ષક દંપતીના ઘરમાં 3.82 લાખની ચોરી
ભુજ, તા. 7 : નખત્રાણા ખાતે મણિનગર વિસ્તારમાં મકાન ધરાવતા ભુજ ખાતે રહેતા આચાર્ય દંપતી રણજીતાસિંહ ઉર્ફે રાણાજી મમુજી જાડેજા અને હંસાબા જાડેજાના બંધ મકાનના નકુચા તોડીને તેમાંથી રૂા. 3.82 લાખની માલમત્તાની તસ્કરી થતા કાયદાના રક્ષકો ભારે દોડધામમાં પડી ગયા છે. ભુજમાં એરપોર્ટ રોડ સ્થિત નરનારાયણ નગરમાં રહેતા નરા (લખપત) હાઇસ્કુલના આચાર્ય રણજીતાસિંહ જાડેજા અને નખત્રાણા કન્યા હાઇસ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા તેમના પત્ની હંસાબા ભુજ ઉપરાંત નખત્રાણા ખાતે પણ મકાન ધરાવે છે. અઠવાડિયે એકાદ-બે વખત તેઓ આ મકાને જતા હોય છે. દરમ્યાન ગત તા. ત્રીજીના બપોરે ત્રણ વાગ્યાથી તા. પાંચમીના બપોરના ત્રણ વાગ્યા સુધીમાં તેમનું આ બંધ મકાન તસ્કરોનું નિશાન બન્યું હતું. તેવું બહાર આવ્યું છે. શ્રી જાડેજાએ લખાવેલી ફરિયાદ અનુસાર આ ઘટનામાં બંધ મકાનના નકુચા તોડીને કોઇ હરામખોરો ઘરમાં ઘુસ્યા હતા. ઘરમાં રહેલા ભીંત શોકેશમાંથી ચાંદીના શોપીસ, ભગવાનની મૂર્તિઓ, સોનાના વિવિધ દાગીના તથા રૂા. 2,59,980 રોકડા મળી કુલ્લ રૂા. 3.82 લાખની માલમત્તા તેઓ ઉઠાવી ગયા હતા.  ચોરી વિશે ગઇકાલે મોડીસાંજે ફરિયાદ દાખલ કરાવાતા નખત્રાણા પોલીસ હરકતમાં આવી હતી. નખત્રાણાનો હવાલો સંભાળતા ઇન્સ્પેકટર શ્રી ચૌધરી અને સ્ટાફના સભ્યો સ્થાનિકે ધસી જઇને છાનબીનમાં પરોવાયા હતા. તસ્કરોની ભાળ મેળવવા માટે હસ્તરેખા નિષ્ણાતો અને ગુનાશોધક ગંધપારખુ શ્વાનની મદદ લેવા માટેના પ્રયાસો પણ હાથ ધરાઇ રહયા છે.  ઘરમાલિક દેવીસર ગામે વાડી પણ ધરાવે છે. તેમણે વાડીમાં કરેલા એરંડાના પાકના વેંચાણના રૂપિયા ઘરમાં મુકયા હતા જે આ ઘટનામાં ચોરી જવાયા હોવાની વિગતો પણ ફરિયાદમાં લખાવાઇ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer