ભુજમાં 35 વર્ષે તો ગાંધીધામમાં 24 વર્ષ બાદ કર્ફ્યૂની નોબત !

ભુજમાં 35 વર્ષે તો ગાંધીધામમાં 24 વર્ષ બાદ કર્ફ્યૂની નોબત !
ભુજ, તા. 7 : કોઈ હિંસક અથડામણને પગલે કર્ફ્યૂ લાદવામાં આવ્યા હોય તે ઘટના સ્વાભાવિક છે. પરંતુ બીમારીને  રોકવાના પગલારૂપે સંચારબંધીનો નિર્ણય એ કચ્છના ઈતિહાસમાં પ્રથમ ઘટના છે. સમગ્ર દેશની સાથે ગયા વરસે કચ્છમાં લોકડાઉનની અમલવારી થઈ હતી. પરંતુ ભુજ અને ગાંધીધામમાં આજે રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કચ્છમાં ભૂતકાળમાં કયાં અને કયારે કફર્યૂનો નિર્ણય લેવામાં આવ્યો એ અતીત પણ યાદ કરવું જરૂરી છે.  રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાલે રાત્રે વધતા કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે મહાનગરોની સાથે રાજ્યના 20 શહેરોમાં  પણ સંચારબંધીની જાહેરાત કરી છે. તેમાં ભુજ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. કચ્છના બંને આ મોટા શહેરો આજે રાતના આઠ વાગ્યાથી પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે. આઠથી સવારે 6 વાગ્યા સુધી નગરજનોને ઘરમાં જ રહેવું પડશે. રાતના ભાગે શહેરીજનો, હરવા-ફરવા, ખાણી પીણી માટે  ટોળા સ્વરૂપે એકત્ર થતા હોવાથી સમૂહમાં ભેગા ન થાય એ માટે પાબંદી લગાડવામાં આવી છે.  કફર્યૂ રૂપે કચ્છની એકતાની પરંપરાને 1983માં કલંક લાગી ચૂકયો છે. ત્રીજી મે 1983માં માંડવી શહેરમાં એક ટેકસી અને સાયકલ ટકરાવવાના મુદે્ મોટું સ્વરૂપ લેવાતા સામાન્ય ઝઘડાએ જૂથ અથડામણનું સ્વરૂપ લેતા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી અને માંડવી શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત કફર્યૂ લાદવામાં આવ્યો હતો. 1986ની વાત કરીએ તો 8 જુલાઈ 1986માં ભુજમાં પહેલીવાર કફર્યૂની નોબત આવી હતી. શહેરના ખત્રી ચકલા વિસ્તારમાં બનેલા હુમલાના બનાવમાં 1નું મોત અને 12 જણ ઘાયલ થયા હતા. જુદા જુદા ત્રણ હુમલા થયા હતા. આ ઘટનાને પગલે ભુજ શહેરમાં એક સાથે પાંચ દિવસ સંચારબંધી લગાડવામાં આવી હતી.  કચ્છની કોમી એકતાને ઠેસ પહોંચાડવાનો બનાવ અંજારમાં 2/4/2002ના બન્યો હતો. મંદિરની મૂર્તિ ખંડિત કરવાના મામલે તોફાન બાદ પોલીસને ગોળીબાર કરવો પડયો હતો. આવી ઘટના બાદ અંજારમાં પણ પહેલી વખત કફર્યૂના પગલાં લેવાની નોબત આવી હતી.   મુંબઈમાં ડો. આંબેડકરની પ્રતિમાને નુકસાન કરવાની અસર કચ્છમાં છેક ગાંધીધામ સુધી પહોંચતા 15 જુલાઈ 1997માં ગાંધીધામ બંધનાં એલાને ઉગ્ર વળાંક લેતા પંચરંગી શહેરમાં પ્રથમ વખત કફર્યૂ લદાયો હતો. ભુજમાં 1986 અને ગાંધીધામમાં 1997 પછી એમ આ બંને શહેરમાં કોઈ અશાંતિને પગલે નહીં પરંતુ કોરોના જેવી મહામારીને રોકવા નાગરિકોને ઘરથી બહાર અટકાવવાના પગલા રૂપે રાજ્યના 20 શહેરોની સાથે કચ્છના બંને શહેરોમાં પણ આજથી સંચારબંધીની અમલવારી શરૂ થઈ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer