જનતા, જાહેર મિલકતની રક્ષા અને કાયદાનો અમલ કરાવવો જ પોલીસની કામગીરી છે

જનતા, જાહેર મિલકતની રક્ષા અને કાયદાનો અમલ કરાવવો જ પોલીસની કામગીરી છે
ભુજ, તા. 7 : પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આજે ભુજ પોલીસ તાલીમ ભવન ખાતે મિશન ખાખી કાર્યક્રમ યોજાયો હતો. પશ્ચિમ પોલીસ અધીક્ષક સૌરભ સિંઘની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દળ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર અને મદદનીશ સબ ઈન્સ્પેક્ટર (હથિયાર, બિનહથિયારધારી)ની કુલ 431 મહિલાઓની ભરતી થનારી છે. કચ્છ જિલ્લાની દીકરીઓ માટે બેટી બચાવો, બેઢી પઢાઓ સેલ અન્વયે 50 ઉપરાંત દીકરીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ કચ્છ મહિલા કચેરીના ફેસબુક લાઈવ પર અન્ય ભરતી માટે અરજી કરનારી દીકરીઓએ પણ `િમશન ખાખી' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ તકે પોલીસ અધીક્ષક  સૌરભ સિંઘે જણાવ્યું હતું કે, `કોઇ પણ જગ્યાની ભરતી માટે અરજી કરીએ ત્યારે તેનું લક્ષ્ય અને મહત્ત્વ  તેમજ ઉપયોગિતા જાણવી અગત્યનું પરિબળ છે. સમાજમાં પ્રજા સાથે સુરક્ષા સેતુ બનાવી શકીએ. જનતા અને જાહેર મિલકતની રક્ષા, કાયદાનો અમલ કરાવવો એ પોલીસની કામગીરી છે. કોઇ પણ ઘટના કે ગુનાપીડિત પોલીસ પાસે આવે તો તેને ન્યાયનો વિશ્વાસ આપવા પોલીસ ખાતું છે. પોલીસે ઘટના કે ગુનામાં પીડિતનો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી છે એમ શ્રી સિંઘે જણાવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારી અવનિબેન રાવલે જણાવ્યું હતું કે, `ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે તૈયારી કરનાર મહિલાઓ માટે મિશન ખાખી કાર્યક્રમ મદદરૂપ થશે.' પશ્ચિમ કચ્છના ડેપ્યુટી એસ.પી. બી. એમ. દેસાઇએ પ્રેરણાલક્ષી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સમાજમાં યુનિફોર્મનો આગવો પ્રભાવ છે. દરેકને એનું માન હોવું જોઇએ. આર.એસ.આઇ.  એસ. એમ. ચૌહાણે ભરતીમાં શારીરિક કસોટી અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ સબ ઈન્સ્પેક્ટરની લેખિત કસોટી માટે માંડવીના પી.એસ.આઇ. મયૂરભાઇ પટેલે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ખાખી ધારણ કરવી જ છે એ માઇન્ડ સેટ તૈયાર હશે તો અચૂક ખાખી પહેરી શકશો, મહેનત કરો. મદદનીશ સબ ઈન્સ્પેક્ટર શિવદીપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વારંવાર અભ્યાસ અને રિવિઝન પરીક્ષામાં મહત્ત્વનું પરિબળ છે. એસ.પી. સૌરભ સિંઘે ભુજ શહેરમાં  કાર્યરત થતી `વીરાંગના સ્પેશિયલ સ્કવોડ'ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer