ચણ ચણતા પંખીઓ ફેન્સિંગ વચ્ચે બન્યા સુરક્ષિત

ભુજ, તા. 7 : મા આશાપુરાના મંદિર તરફ જતા માર્ગે ભોઈવાળા આરા સો પંખીઓ નિર્ભય બની ચણી શકે તે માટે દાતાના સહયોગથી પ્લોટ ફરતી લોખંડની જાળી નખાવી જીવદયાનું ઉમદા કાર્ય કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી મ.કા.ચા. સમાજવાડી નજીકના ખાલી પ્લોટમાં હજારોની સંખ્યામાં પંખીઓ ચણવા આવે છે અને સેંકડો જીવદયાપ્રેમીઓ ચણ નાખે છે. આ પ્લોટ ખુલ્લો હોવાથી શ્વાન દ્વારા કબૂતરોનો શિકાર થતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાતી હતી. આ બાબત ધ્યાને લઈ અહીં ચણ નાખવા આવતા માતા વેલુબેન કાંતિલાલ શાહના પુત્ર ભરતભાઈએ પંખીઓ નિર્ભય બની ચણી શકે તે માટે યોગદાનની તૈયારી બતાવતાં સેવાકાર્યો સાથે સંકળાયેલા મિતશ શાહનો સંપર્ક સાધી પ્લોટ ફરતે જાળી નખાવી આ કામનો શુભ આરંભ પરિવારના મોભી રસિકભાઈ કાંતિ શાહ તથા ભુજ નગર સેવા સદનના ઘનશ્યામભાઈ ઠક્કર દ્વારા ખુલ્લું મુકાયું. આ અવસરે સુધરાઈના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, નગરસેવકો સંજય ઠક્કર, સાવિત્રીબેન જાટ, હિનાબા ઝાલા, ભુજ કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર હિતેશભાઈ, વાગડ બે ચોવીસી મોટા સમાજના પ્રમુખ કાંતિભાઈ (કાકા), આઠ કોટિ મોટી પક્ષના પ્રમુખ વિનોદભાઈ મહેતા તથા હર્ષદભાઈ ઠક્કર (હકી) દાતા પરિવાર દ્વારા સન્માન કરાયું હતું. સ્વાગત પ્રવચન દાતા ભરતભાઈ શાહે કર્યું હતું. શ્વાનોની સતત સેવા કરતા શ્વેતાબેન વોરાને 2100 રૂા. આઠ કોટિ સંઘના પ્રમુખને 5100 રૂા., અનિલભાઈ ખંડોલને 1500 રૂા. અર્પણ કરાયા હતા. આ પ્રસંગે મિતેશ શાહે તેમની પ્રવૃત્તિ અને જરૂરિયાત વર્ણન કરતા દાનની સરવાણી વહી હતી. દાતા પરિવાર તરફફથી 11,111, નગરસેવિકા હિનાબા જિતેન્દ્રસિંહ ઝાલા તરફથી 11,000, ઘનશ્યામ ઠક્કર 5100, જગત વ્યાસ 5100, રેશ્માબેન ઝવેરી તરફથી 5100, પ્રભાબેન ભોગીલાલ મોરબિયા તરફથી 5100, ઝવેરબેન ચંદુલાલ મહેતા 5100, હંસાબેન ચમનલાલ મહેતા તરફથી 5100, સાવિત્રીબેન જાટ તરફથી 2100, હિતેશભાઈ ઠક્કર તરફથી 2500 રૂપિયા, હર્ષદભાઈ ઠક્કર (હકી) 2100 રૂા. તથા સંજયભાઈ ઠક્કરે 2100 જાહેર કર્યા હતા. મચ્છુકાઠિયા ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણના પ્રમુખ શૈલેશભાઈ ત્રિવેદીનું પણ સન્માન કરાયું હતું. જ્ઞાતિના પ્રમુખ તથા ટ્રસ્ટીઓએ પણ 5100 રૂા.નું દાન આપ્યું હતું. વાડીમાં કાર્યક્રમ યોજાવા માટે દાતા તરફથી જ્ઞાતિને રકમ અર્પણ કરાતાં તે રકમ પણ પ્રમુખે જીવદયા માટે પરત કરી હતી. ગ્રીલનું કામ કરનાર આનંદભાઈ મોરબિયાનું જગતભાઈએ તથા ઘનશ્યામભાઈ અને રેશ્માબેને દાતા દંપતીનું વિશિષ્ટ સન્માન કર્યું હતું. શ્રી શાહે જણાવ્યું કે, જીવદયાની સાથે મેડિકલ ક્ષેત્રે પણ 65,000થી વધુ દાન દાતા તરફફથી મળ્યું છે. આભારવિધિ પ્રવીણાબેન શાહે કરી હતી.