એશિયાના અમીરોમાં અંબાણી અવ્વલ

નવી દિલ્હી, તા. 7 : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વધુ એક વાર એશિયાની સૌથી અમીર હસ્તી બની ગયા છે. ફોર્બ્સની 35મી વાર્ષિક યાદી મુજબ અંબાણી દુનિયામાં 10મા સૌથી ધનવાન છે. વીતેલા વર્ષે એશિયામાં અવ્વલ સ્થાન મેળવનાર ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાના વડા જેકમાને આ વર્ષે પાછળ રાખતાં 84.5 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણીએ તાજ છીનવી લીધો છે. જેકમા 48.4 અબજ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં છેક 26મા સ્થાને ચાલ્યા ગયા છે. વિશ્વમાં સૌથી વધુ 724 અબજપતિ અમેરિકામાં છે. ભારતના અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી 50.5 અબજ ડોલરની સંપત્તિ સાથે  દુનિયાના ધનકુબેરોની યાદીમાં 24મા સ્થાને છે. ચીનમાં અબજપતિઓની સંખ્યા 456માંથી વધીને 698 થઈ ગઈ છે. ભારતમાં 102માંથી વધારા સાથે 140 થઈ ગઈ છે. આ યાદીમાં અમેરિકાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેજોસ લગાતાર ચોથા વર્ષે ટોચ પર છે.ટેસ્લાના સીઈઓ એલન મસ્ક બીજા સ્થાને છે. માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ 124 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા ક્રમે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer