પંતમાં કપિલને પોતાના જેવી સમાનતા જોવા મળે છે
નવી દિલ્હી, તા.7: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિશ્વ વિજેતા કપ્તાન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવને ઋષભ પંતને નાની વયે સુકાનીપદ સોંપવા પર કેટલીક સમાનતા નજરે પડી રહી છે. ઋષભ પંતને 23 વર્ષની ઉંમરે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવાયો છે. શ્રેયસ અય્યર ઇજાને લીધે આઇપીએલની બહાર થઇ જતાં આ વિકેટકીપર-બેટ્સમનને નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કપિલ દેવને જ્યારે ભારતીય ટીમનું સુકાન સોંપાયું હતું ત્યારે તેમની ઉંમર 23 વર્ષ હતી અને જ્યારે તેઓ 24 વર્ષના હતા ત્યારે તેમની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલનું માનવું છે કે પંતને સીનીયર ખેલાડીઓએ મેદાન પર મદદ કરવી પડશે.કપિલ દેવે એક મુલાકાતમાં જણાવ્યું કે જો સીનીયર ખેલાડીઓ પંતની મદદ કરશે તો તેને બહુ મુશ્કેલી પડશે નહીં. મને પણ આટલી નાની ઉંમરે કપ્તાન બનાવી દેવામાં આવ્યો હતો. રિકી પોન્ટિંગ ફકત કોચ છે. તેઓ ડ્રેસિંગ રૂમમાં તેમની ભૂમિકા ભજવી શકે છે. મેદાન પર તો રહાણે અને ધવન જેવા ખેલાડીઓએ પંતનું સમર્થન કરવું પડશે.