ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યૂના અમલ અને નિયમોનાં પાલન માટે પોલીસ બની પ્રવૃત્ત

ભુજ, તા. 7 : રાજ્યની હાઇકોર્ટ દ્વારા અપાયેલી માર્ગદર્શિકા અન્વયે રાજ્યના અન્ય 18 શહેર સાથે જેના માટે રાત્રિ કર્ફ્યૂ જાહેર કરાયો છે તેવા કચ્છના મુખ્ય બે નગર ભુજ અને ગાંધીધામમાં આ અંગેની કડક અમલવારી માટે પોલીસદળ સજ્જ બન્યું છે. આજે રાત્રે આઠ વાગ્યે કર્ફ્યૂનો સમય શરૂ થવાની સાથે જ કાયદાના રક્ષકો નિયમોની અમલવારી માટે મેદાનમાં ઊતરી આવ્યા હતા.  ભુજ અને ગાંધીધામમાં આજે બુધવારથી આગામી તા. 30મી સુધી રાત્રિના આઠથી સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યૂ જાહેર કરાયો છે. આ સબંધે એક બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડીને જરૂરી આદેશો લાગુ કર્યા છે. તો બીજી બાજુ  પોલીસદળ પણ કર્ફ્યૂ અને તેને સંલગ્ન નિયમોની અમલવારી માટે સજજ્જ  બન્યું છે.  પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના અધીક્ષક સૌરભ સિંઘે પત્રકારો સાથે વાતચીત કરતાં આજે કર્ફ્યૂ માટે કડક અમલવારીનો નિર્દેશ આપતાં આ સંબંધે ગોઠવાયેલી બંદોબસ્ત અને પેટ્રોલિંગ સંલગ્ન માહિતી આપી હતી. જ્યારે ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ અંગેની સમગ્ર વ્યવસ્થાને આખરી ઓપ અપાઇ ચૂકયો છે.તો આજે કર્ફ્યૂનો સમય શરૂ થવાની સાથે જ પોલીસદળ તેની કામગીરીમાં લાગી ગયું છે. બીજી બાજુ જિલ્લાના આ બન્ને મુખ્ય નગરોના પરિભ્રમણ દરમ્યાન વિવિધ સ્થાને ગોઠવાયેલી પોલીસ અને પેટ્રોલિંગ માટે દોડતા પોલીસના વાહનો જોવા મળ્યા હતા. પ્રથમ દિવસે લોકોને નિયમો વિશે પણ અવગત કરાયા હતા. સાથેસાથે વ્યવસાયી સ્થાનો પણ બંધ કરાવાયાં હતાં. આ વચ્ચે કર્ફ્યૂની અમલવારી શરૂ કરાવાતાં બન્ને શહેરમાં જાહેર સ્થળો સહિતનાં સ્થાને સૂનકાર વ્યાપી ગયો હતો. ખાસ કરીને આઠ વાગ્યામાં ધંધા સમેટી લેવા પડતાં ખાણીપીણીના ધંધાર્થીઓ માટે જબ્બર ફટકો સર્જાયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer