અંજારમાં વીજ નિગમના લાઇનમેન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 7 : અંજારના હેમલાઇ ફળિયામાં વીજતંત્રના કર્મચારી ઉપર હુમલો કરાતાં ઘવાયેલા આ કર્મીને સારવાર અર્થે લઇ જવાયા હતા.પોલીસે આ બનાવ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પીજીવીસીએલમાં લાઇનમેન તરીકે કામ કરતા ધર્મેશ વસંતરાય ગોર (ઉ.વ.52) ઉપર આજે સવારે 11.15ના અરસામાં હુમલો થયો હતો. આ કર્મચારી હેમલાઇ ફળિયામાં બાપુની દરગાહ પાસે પીજીવીસીએલની બાકી રકમ અંગે ગ્રાહકનું સરનામું પૂછી રહ્યા હતા ત્યારે  ત્યાં માણસો ભેગા થઇ ગયા હતા અને એક અજાણ્યા શખ્સે આ કર્મચારીને લાફો ઝીંકી દીધો હતો. મારામારીના બનાવમાં સરકારી કર્મચારીને કાનમાં ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ સ્થાનિકે અને બાદમાં  સારવાર અર્થે ભુજ લઇ જવાયા હતા. આ બનાવમાં હાલમાં જાણવાજોગ નોંધી ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer