સંકલનના અભાવે એસ. ટી.ના મુસાફરો અધવચ્ચે રઝળી પડયા

ભુજ, તા. 7 : રાજ્ય સરકારે કોરોનાનાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ભુજ-ગાંધીધામ સહિતના 20 શહેરમાં રાત્રિ કર્ફયૂ અમલમાં મૂક્યો છે. રાત્રિ કર્ફયૂનાં કારણે એસટીમાં મુસાફરી  કરતા પ્રવાસીઓને અધવચ્ચે રઝળી પડવાનો વારો આવ્યો હતો. અધૂરાંમાં પૂરું સંકલનના અભાવના લીધે પ્રવાસીઓની હાલાકી અનેકગણી વધી હોવાનો ગણગણાટ વ્યક્ત કરાયો હતો.અંજાર શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભરત ઠક્કરે કચ્છમિત્ર સમક્ષ પોતાનો કચવાટ વ્યક્ત કરતાં કહ્યું કે પોણા સાત વાગ્યે ભચાઉ પહોંચેલી અમરેલી-ભુજ બસને ત્યાં જ અટકાવી દેવાઇ હતી. ખરેખર તો આ બસને ગાંધીધામ કે અંજાર સુધી પહોંચાડી દેવાઇ હોત તો કમસેકમ અંજાર-ગાંધીધામના પ્રવાસીઓને હાલાકી ઓછી વેઠવી પડત. અધૂરાંમાં પૂરું આ પ્રવાસીઓને સવા સાત વાગ્યે અહીંથી ઉપડેલી ઝાલોદ-ગાંધીધામ બસમાં બેસાડાયા હતા, પણ ભુજ જવા માગતા પ્રવાસીઓ તો અધવચ્ચે જ રઝળી પડયા હતા.કર્ફયૂ જેવી આપાતકાલિન સ્થિતિ ટાંકણે એસટી ડેપોમાં જવાબદાર અધિકારીઓએ હાજર રહેવું જોઇએ પણ યોગ્ય સંકલનના અભાવના કારણે ત્વરિત નિર્ણય લેવામાં આવેલી અડચણોએ પ્રવાસીઓની હાલાકીમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer