ખાનગી વાહનો સામે આરટીઓની લાલઆંખ

ભુજ, તા. 7 : કોવિડ-19ના સતત વધી રહેલા કેસ વચ્ચે ખાનગી પેસેન્જર વાહનોમાં પ્રવાસીઓને ઠૂંસી ઠૂંસીને ભરવામાં આવતા હોવાની ફરિયાદને પગલે જાગેલા આરટીઓ તંત્રે તમામ ખાનગી પેસેન્જર વાહનોને નિયત ક્ષમતાથી વધુ મુસાફરો હશે તો વાહન ડિટેઈન કરવાની ચેતવણી આપી છે. આજે આરટીઓ કચેરીમાં આરટીઓ સી.ડી. પટેલે જિલ્લાના ખાનગી લક્ઝરી બસો, ટેક્સી અને મેક્સી કેબ એસોસિએશનોના પ્રમુખોની બોલાવેલી બેઠકમાં આવાં વાહનોમાં નિયત ક્ષમતાથી વધુ મુસાફરો ન બેસાડવાની તાકીદ કરી હતી. આ અંગે આરટીઓ શ્રી પટેલે જણાવ્યું હતું કે આજથી જ આ આદેશની અમલવારી કરવામાં આવી છે અને ખાનગી ટ્રાવેલ્સ વાળા જે પોઈન્ટ પર મુસાફરોને છોડે છે ત્યાં ટીમ તૈનાત કરીને મુસાફરોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે.  તેમણે કહ્યું કે નિયત મર્યાદાથી વધુ મુસાફરો ધ્યાનમાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને વાહનને ડિટેઈન કરવામાં આવશે. કોરોનાના સતત વધી રહેલા કેસ દરમ્યાન જિલ્લા કલેકટરની સૂચનાને ધ્યાને રાખીને ભુજ, અંજાર સહિતના ચેકિંગ પોઈન્ટ ઉપરાંત આરટીઓ ઈન્સ્પેક્ટરોની ટુકડીઓ દ્વારા નિયત ચેકિંગ પોઈન્ટ સિવાય અલગ અલગ સ્થળે પણ ખાનગી પરિવહન વાહનોની તપાસ કરવામાં આવશે અને જરૂરી પગલાં ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખાનગી ટ્રાવેલ્સ અને ટેક્સી તથા મેક્સી કેબ વાહનોમાં બેઠક ક્ષમતાથી વધુ મુસાફરોનું પરિવહન કરવામાં આવતા હોવાની લાંબા સમયની ફરિયાદ હતી. આ ઝુંબેશ જિલ્લાભરમાં ચાલવાની હોવાથી ખાનગી પરિવહનકારોએ નિયત મર્યાદામાં મુસાફરોનું પરિવહન કરવાની તાકીદ આરટીઓ દ્વારા કરવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer