વેપારીઓની સિન્ડિકેટ થકી ઘઉંનો પાક લેનારા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં

મુંદરા, તા. 7 : મહેનત કરીને ઘઉં તૈયાર કર્યા અને હવે અનાજના હોલસેલ વેપારીઓની સિન્ડિકેટે ઓછા ભાવે ઘઉં માંગતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સરકારે ટેકાના ભાવ રૂા. 1985 નક્કી કર્યા છે પણ આ ભાવે સરકાર કે વેપારી ઘઉં ખરીદવા તૈયાર નથી. રામાણિયાના બળવંતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જો માંડવી અને મુંદરા એ.પી.એમ.સી.માં ટેકાના ભાવે ખરીદી શરૂ થાય તો ખેડૂતોને યોગ્ય વળતર મળે. બાકી અત્યારે ઘઉં બાચકામાં ભરાઇ?ગયા છે ને વાડી-ખેતરમાં સતત રખોપું કરવું પડે છે. માત્ર રામાણિયા વિસ્તારમાં બે હજાર જેટલા ખેડૂતોના ઘઉં તૈયાર છે પણ વેપારીની સિન્ડિકેટના કારણે કોઇ?ખરીદતું નથી.કણજરાના પ્રગતિશીલ ખેડૂત દાનાભાઇ આહીર જણાવે છે કે, ટેકાના ભાવ રૂા. 1985 એક ક્વિન્ટલના છે જ્યારે વેપારીઓ 1600થી 1700 રૂા. જ ભાવ પકડીને બેઠા છે. તેમ ખેડૂત ક્યાં સુધી ઘઉંને સંગ્રહીને રાખશે ? લાચાર થઇને એક સમયે જે મળે તે ભાવે ઘઉં વેચવા કાઢશે. બાદ 17ના ભાવે ખરીદેલા ઘઉં 20થી 24ના ભાવે બજારમાં વેચાશે. ખેડૂત ચાર મહિના પસીનો પાડી ઘઉં તૈયાર કરીને જે કમાય વેપારી બે મહિનામાં એથી વિશેષ કમાઇ લે છે. શ્રી આહીરે મહત્ત્વની વાત કરતાં જણાવ્યું કે, ઘરસરી વેચાણમાં બે હજાર રૂા.નો ભાવ મળે પણ ઘરસરી ખરીદનારા કેટલા ? તેમ ઘઉંની મશીન મારફતે કાપણી થાય છે. જૂજ ખેડૂતો જૂની પદ્ધતિથી ઘઉંના બાચકા ભરે છે. મશીનથી કટિંગ થતું હોવાથી ખેડૂત પાસેથી સીધી ખરીદી કરવાથી ધૂળ કે કાંકરી આવવાની સંભાવના જૂજ છે. ઉપરાંત ખેડૂતો પાસેથી હોલસેલ ભાવે ખરીદાયેલા ઘઉંની વિશાળ ગોડાઉનમાં મશીન મારફતે સફાઇ કરી આકર્ષક 50 કિ.ના પેકિંગમાં વેચાતા ઘઉંનો ભાવ 2800 રૂા. વસૂલ કરવામા ં આવે છે. જો ખેડૂતોને 2000 રૂા.નો ભાવ મળે તો જ પોતાની મજૂરી છૂટે, બાકી તો માંડ માંડ પૂરા કરી શકે. મોંઘી થતી જતી ખેતી અને ઉત્પાદનના ઓછા મળતા ભાવથી કિસાનો પરેશાન છે. સરકાર જ ટેકાના ભાવે ખરીદી કરે તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. કચ્છમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ?નહીં થાય તો ધરતીપુત્રો ક્યાં ગયા હતા તો કહે ક્યાંય નહીં જેવો તાલ રચાશે. ગ્રાહકોએ પણ ખેડૂતો પાસેથી ઘઉંની સીધી ખરીદી કરવી જોઇએ. એકએક ગ્રાહકને ઘઉં પહોંચતા કરવામાં ભાડાનો ખર્ચ વધુ આવે છેનું શ્રી દાનાભાઇનું કહેવું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer