વર્માનગરની બેન્ક ઓફ બરોડાની અવ્યવસ્થા સુધારો નહીંતર આંદોલન

પાનધ્રો (તા. લખપત), તા. 6 : લખપત તાલુકાના પાનધ્રો પંચાયત અંતર્ગત આવતા વર્માનગર ખાતે દેના બેન્કમાંથી હાલમાં જ બેન્ક ઓફ બરોડા બનેલી બેન્કની શાખામાં પાનધ્રો આસપાસના 40 ગામના અંદાજે આઠ હજાર ખાતાં છે, પરંતુ આ શાખામાં વ્યવસ્થાના નામે શૂન્ય છે. આ અવ્યવસ્થામાં સુધારો ન થાય તો આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.પાનધ્રોના પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ એ. ચાવડાએ બેન્ક ઓફ બરોડાના રિજનલ અધિકારીને પાનધ્રોની બેન્ક શાખાની અવ્યવસ્થા બાબતે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આ શાખામાં 40 કિ.મી. દૂર દૂરના ગામડાઓના ખાતાં છે. છેક દૂરથી આવતા આવા ગ્રાહકો માટે અહીં પૂરતી બેઠક વ્યવસ્થા પણ નથી. માંડ 10 લોકો ઊભા રહી શકે તેટલી જગ્યા છે. બેન્કનું મકાન પણ જર્જરિત હાલતમાં છે. અવારનવાર છતમાંથી પોપડા ખરે છે જે જોખમી છે. વિદ્યાર્થીઓની સ્કોલરશિપ આ શાખામાં જમા થાય છે. નાના બાળકોને બેન્કમાં ખાતું ખોલવા ધક્કા પડે છે. બેન્કમાં અપૂરતો સ્ટાફ છે અને દૂરથી આવતા લોકો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. એટીએમ મશીન અવારનવાર બંધ જ પડયું હોય છે. આમ આ બેન્કમાં વ્યવસ્થાના નામે સાવ શૂન્ય છે. જો આ અવ્યવસ્થામાં સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે જઈ આંદોલન કરવાની ચીમકી પણ પત્રમાં અપાઈ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer