માસ્ક મુદ્દે ખુદ વેપારીઓ જ બેદરકાર !
ભુજ, તા. 7 : કોરોનાને રોકવામાં માસ્ક સૌથી વધુ કારગત સાબિત થયું હોવાનું નવા વૈજ્ઞાનિક તારણમાં બહાર આવ્યું છે ત્યારે કચ્છમાં અનેક વેપારીઓ, ખાણી-પીણીવાળા, શાકભાજીના ફેરિયાઓ માસ્ક વિનાના જોવા મળે છે, ત્યારે આવા વેપારીઓ પાસેથી ખરીદી ટાળી જાગૃત ગ્રાહકોએ સબક શીખવવાનો સમય આવી ગયો હોવાનો સૂર વ્યક્ત થઇ?રહ્યો છે. દેશમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ કૂદકે ને ભૂસકે કેસો વધી રહ્યા?છે અને સરકાર તેમજ ખુદ અદાલતો પણ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સૂચના આપી રહ્યા છે, તેમ છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ સંક્રમણને રોકવા માસ્ક પહેરવું જરૂરી હોવા છતાં બજારોમાં અનેક વેપારીઓ માસ્ક પહેરતા નથી. તો અનેક ખાણી-પીણીના હાથલારીવાળાઓ,હોટેલોવાળા, શાકભાજીના ફેરિયા જેવા અનેક લોકો કોવિડના નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યા?છે ત્યારે ગ્રાહકોએ જ હવે જાગૃતિ બતાવી માસ્ક વિનાની દુકાનોમાં બેઠેલા વેપારીઓ, નાસ્તા, શાકભાજીની લારીઓવાળા પાસેથી ખરીદી કરવાનું ટાળી સબક શીખવવાનો સમય પાકી ગયો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.