ગાંધીધામ નાગરિક સંરક્ષણના જવાનોને મહિનાઓથી ભથ્થું નહીં !

ગાંધીધામ, તા. 7 : કોરોના મહામારી તથા લોકડાઉનના સમયમાં ગાંધીધામ નાગરિક સંરક્ષણ  કચેરીના  સ્વયંસેવકોને માનદ વેતન આપવા ગાંધીધામના સામાજીક કાર્યકરે માંગ કરી હતી.  સામાજીક કાર્યકર રાજેશ એમ. મોતીયાણીએ  ડો. નીરજા ગોટરૂ રાવ, ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝને લેખિત રજુઆત કરતા એક પત્રમાં કહયું હતું કે કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળામાં ગાંધીધામની નાગરિક સંરક્ષણ કચેરીમાં  સ્વયંસેવક  તરીકે વિવિધ સ્થળોએ 20  જવાનોએ પોલીસની સાથે રહીને વ્યવસ્થા જાળવવા માટે 54 દિવસો સુધી પોતાનું યોગદાન આપ્યું હતું. આવી ઉત્કૃષ્ટ સેવા આપનારા આ જવાનોને 9 મહિના સુધીનો સમય વીતી જવા આવ્યો હોવા છતાં તેમને વેતન મળ્યું નથી. સ્થાનિક  અથવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમના પ્રત્યે સહાનભૂતિ વ્યકત કરાતી નથી. આ જવાનોને વેતન ભથ્થુ આપવામાં આવે તો તેઓ વધુ સારી રીતે કાર્ય કરી શકે અને તેમજ અન્ય સેવકો આ પ્રવૃતિઓમાં જોડાઈ શકે જેથી સમયસર બાકી નીકળતી રકમ આપવા અરજ કરાઈ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer