મંદ ઉત્સાહ સાથે ભુજ સુધરાઇની ચૂંટણીમાં 49.41 ટકા મતદાન

મંદ ઉત્સાહ સાથે ભુજ સુધરાઇની ચૂંટણીમાં 49.41 ટકા મતદાન
ભુજ, તા. 28 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભુજ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે આજે યોજાયેલા મતદાનની ટકાવારી તો જળવાઇ રહી હતી, પરંતુ મતદાન મથકોએ મતદારોમાં ઉત્સાહમાં આ વર્ષે ઓટ વર્તાઇ હતી. જો કે, પક્ષના કાર્યકર્તાઓના ટોળાં દ્વારા માહોલ જીવંત લાગતો હતો. સવારથી ધીરે ધીરે આરંભાયેલું મતદાન સાંજ સુધી 49.41 ટકા નોંધાયું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન નોંધાતાં તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો. ભુજ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ અલગ-અલગ પક્ષો દ્વારા આ જંગ જીતવા કરાયેલા પ્રયાસોનો ધમધમાટ ગઇકાલે શાંત પડયા બાદ આજે મતદાન કરાવવા કાર્યકરોએ દોડાં કાઢ્યાં હતાં. જો કે, શહેરના અલગ-અલગ મતદાન મથકોની `કચ્છમિત્ર'એ મુલાકાત લેતાં ગત ચૂંટણીની તુલનાએ આ વર્ષે મતદારોમાં ઉત્સાહ વર્તાતો નહોતો અને ફરજિયાત કે સંબંધોની દુહાઇ થકી મતદાન કરવા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષની તુલનાએ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ મતદાન માટે એક કલાક વધુ ફાળવાયો હતો. વળી, ચૂંટણીપંચના નિયમોમાં પણ આ વખતે સુધારો કરાતાં મતદારોને ઘરેથી મતદાન મથક સુધી પહોંચાડવા વાહનની વ્યવસ્થા પર રોક લગાવાઇ હોવાથી આ ધમધમાટમાં પણ ઓછપ આવી હતી. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી 49.41 ટકા પર પહોંચ્યું હતું, જે પાંચ વર્ષ પહેલાંની ચૂંટણીની ટકાવારી પ્રમાણે 6.33 ટકા ઓછું થયું હતું. ભુજના 63,495 પુરુષ જ્યારે 60,006 ત્રી ઉમેદવાર મળી કુલ 1,23,501 મતદારમાંથી 61,028 મતદારોએઁ લોકશાહી પર્વમાં આહુતિ આપી હતી. આંકડાકીય માહિતી પર નજર કરીએ તો વોર્ડ 1માં 45.73, વોર્ડ 2માં 54.58, વોર્ડ 3માં 45.58, વોર્ડ 4માં 52.76, વોર્ડ 5માં 53.89, વોર્ડ 6માં 51.91, વોર્ડ 7માં  51.10, વોર્ડ 8માં 48.99, વોર્ડ 10માં 55.54, વોર્ડ 11માં 38.89 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન વોર્ડ નં. 10માં જ્યારે સૌથી ઓછું વોર્ડ નં. 11માં થયું હતું. દિવસ દરમ્યાન સવારે 11થી 1 વચ્ચેના ગાળામાં સૌથી વધુ મતદારો ઉમટયા હતા. જ્યારે સવારે 7થી 9 વાગ્યા સુધી સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. મતદાનના અંતિમ બે કલાકમાં બાકી રહેલા મતદારોની છટણી કરી અલગ-અલગ પક્ષોના કાર્યકર્તાઓ દ્વારા તેમનો સંપર્ક કરી મતદાન મથક સુધી પહોંચાડવા ભારે પ્રયાસો કરાયા હતા. શહેરના અલગ-અલગ મથકો બહાર જુદા જુદા પક્ષોના ઉમેદવારો, કાર્યકરો તેમના વિસ્તારમાંથી આવતા મતદાતાઓને પ્રેમપૂર્વક આવકારી માર્ગદર્શન આપતા નજરે પડયા હતા. જો કે, અમુક ઉમેદવારોના ચહેરા પર પરિણામને લઇ ચિંતા સ્પષ્ટ કળાતી હતી. મતદાન મથક અંદર ફરજ બજાવતા કાર્યકરો માટે પક્ષો દ્વારા ફૂડ પેકેટની જ્યારે અન્ય કાર્યકર્તા ટીમ માટે લગ્નવાડીઓ સહિતના સ્થળે જમણવારની વ્યવસ્થા ગોઠવાઇ હતી. પક્ષોના મોવડીઓએ પણ મથકોની મુલાકાત લઇ પરિસ્થિતિનો કયાસ કાઢ્યો હતો. રવિવારની રજા હોવા છતાં મતદારોએ મતદાન કર્યા બાદ ઘરે રહેવાનું જ પસંદ કર્યું હતું. જ્યારે પક્ષના કાર્યકર્તાઓના ટોળાંને પગલે મેળા જેવો માહોલ વર્તાતો હતો. અમુક મતદારો સવારે જ મતદાન કરી પરિવાર સાથે ફરવા નીકળી ગયા હતા. મતદાન દરમ્યાન કોઇ પણ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે, સમગ્ર શહેરમાં કોઇ પણ સ્થળે એવો બનાવ નોંધાયો ન હોવાથી તંત્રે રાહત અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફોર્મ ભરવાની અંતિમ તારીખે જ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ સહી મુદ્દે રદ્દ થતાં ભુજના નવમા વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ થતાં એ વોર્ડ મતદાન પહેલાં જ ભાજપના ફાળે ગયો હતો. તો વોર્ડ-1માં મતદારોને ઊલટ-સુલટ કરી રહેણાકથી દૂરના મથકો ફાળવાયાની ઉમેદવારો દ્વારા ફરિયાદ ઉઠી હતી. મતદાન પૂર્વે અમુક લોકોને પક્ષો દ્વારા સ્લીપ ન પહોંચાડાઇ હોવાથી થોડી મૂંઝવણ સર્જાઇ હતી, પરંતુ મતદાન મથક બહાર પૂર્ણ યાદી સાથે તૈનાત પક્ષના કાર્યકરોએ આવા મતદારોને મદદરૂપ થઇ મતદાન કરાવડાવ્યું હતું. તો અમુક મતદારોને ટેકનોલોજીની મદદથી મોબાઇલમાં જ સ્લીપ મોકલી દેવાઇ હતી. અમુક યુવા મતદારો પ્રથમ વખત જ મતદાન કરતા હોવાથી તેમના ચહેરા પર અનોખા અનુભવની લાગણી નજરે પડતી હતી. તો અમુક સ્થળે જિંદગીના દાયકાઓનો અનુભવ ધરાવતા વડીલના ચહેરા પર મતદાન કરી લોકશાહી પર્વમાં જોડાયા હોવાની ખુશી દેખાતી હતી. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી સંક્રમણ ન ફેલાય તે માટે મતદારોને હાથ સેનિટાઇઝ કરી હાથમોજા અને માસ્ક અપાયાં હતાં. ઉપરાંત શારીરિક તાપમાનનું માપન પણ કરાયું હતું. અમુક મથકોમાં ભીડ જામતાં તૈનાત સ્ટાફ દ્વારા મતદારોને નિયમો પાળવા તાકીદ કરાતી પણ નજરે પડી હતી. મતદાન પૂર્ણ થતાં તમામ મથકોએથી ઇવીએમ મશીનને પૂરતા બંદોબસ્ત સાથે એન્જિનીયરિંગ કોલેજ પહોંચાડાયાં હતાં. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer