ગાંધીધામ પાલિકાના 13 વોર્ડ માટે 44.28 ટકા મતદાન

ગાંધીધામ પાલિકાના 13 વોર્ડ માટે 44.28  ટકા મતદાન
ગાંધીધામ, તા. 28 : અહીંની નગરપાલિકાના 13 વોર્ડની બાવન બેઠક માટે આજે મતદાન યોજાયું હતું, પરંતુ મતદાતાઓનો નીરસ પ્રતિસાદ સાંપડયો હતો. સવારે 7 વાગ્યાથી ઠેઠ બપોરના 3 વાગ્યા સુધીના આઠ કલાકમાં માંડ 30?ટકા જ મત પડયા હતા. અલબત્ત, 3 વાગ્યા બાદ  કેટલાક વિસ્તારોમાં લાઈનો લાગવી શરૂ થઈ હતી. સાંજે 6 વાગ્યા સુધી તમામ 13 વોર્ડનું મળીને કુલે 44.28 ટકા મતદાન થયું હતું. વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓમાં છેલ્લે જોવા મળેલી મતદાતાઓની લાંબી લાંબી કતાર આ વખતે સંકોચાયેલી જણાઈ હતી. વહેલી સવારથી એકલ દોકલ મતદારો જ મતદાન મથકોએ પહોંચ્યા હતા. પ્રથમ બે કલાકમાં તમામ તેર વોર્ડમાં મતદાનની ટકાવારી માંડ પાંચ ટકાએ પહોંચી હતી. એક તરફ ચૂંટણીની કડક આચારસંહિતા અને બીજી તરફ કોરોના સંક્રમણને પગલે મતદાતાઓને કરવી પડતી કડાફૂટ (હાથ મોજાં, તાપમાન માપવું અને સામાજિક અંતર)ને લઈને મતદારો બૂથ સુધી ન આવ્યા અથવા તો આવીને પાછા ચાલ્યા ગયા હોવાનું ઘણી જગ્યાએ અનુભવાયું હતું. આ વખતે ઉમેદવારોનાં ફોર્મ ભરાયાના અંતિમ દિવસથી આજ સુધી પ્રચાર માટે માંડ દસ-બાર દિવસ જ મળતાં રાજકીય પક્ષો ચૂંટણી વ્યવસ્થા જોઈએ તેવી ઊભી કરી શકયા ન હોય તેવું જણાતું હતું. મતદારોને સ્લિપનું વિતરણ પણ પૂર્ણ રીતે થયું ન હોવાથી મતદાન ઉપર તેની અસર પણ પડી હતી.શાસન પ્રત્યેની નારાજગી, ટિકિટ ફાળવણીમાં ઊભા થયેલાં મનદુ:ખ જેવાં કારણોએ કાર્યકરોના ઉત્સાહ ઉપર અસર પાડી હોવાની પ્રતીતિ પણ થઈ હતી. કેસરિયા પક્ષની જ્યાં જબ્બર વગ છે, તેવા વોર્ડોમાં અન્ય વોર્ડ કરતાં મતદાનની ટકાવારી ઘણી નીચે થઈ છે. આમ પણ ગાંધીધામ દર વખતે જિલ્લાની સરખામણીએ મતદાનની ટકાવારીમાં પાછળ જ રહેતું   આવ્યું છે.આમ તો શાંતિપૂર્ણ રીતે થયેલી મતદાન પ્રક્રિયા દરમ્યાન કેટલાક બૂથમાં કે મતદાન કેન્દ્રોમાં ડખા થયા હતા. વોર્ડ નં. 7ના એક  બૂથમાં ભાજપના ઉમેદવાર પોતાની કાર કેન્દ્રમાં લઈ જતાં તેમને પોલીસ કર્મીએ અટકાવ્યા તો તેઓ તાડૂકી ઊઠયા હતા અને પત્રકારોની હાજરીમાં જ તેમને ધમકાવી નાખતાં આશ્ચર્ય પ્રસર્યું હતું. ભારતનગરના એક મત કેન્દ્રમાં ઉમેદવારોને અંદર જવા મનાઈ ફરમાવનારા સુરક્ષાકર્મીઓએ ભાજપના ઉમેદવારોને જવા દેતાં વિપક્ષે ડખો કર્યો હતો. પછીથી તમામને બહાર કઢાયા હતા. લીલાશાહનગરના એક બૂથમાં રાજકીય પક્ષના ચિહ્ન સાથેની સ્લિપો અંદર સુધી જતી હોવાના મુદ્દે પણ ફરિયાદ થઈ હતી. સવારે મતદાન શરૂ થયાના પ્રથમ ચાર કલાકમાં સૌથી વધુ વોર્ડ નં. 6માં 16.16 ટકા, જ્યારે સૌથી ઓછા વોર્ડ નં. 7માં 7.13 ટકા મત પડયા હતા. પ્રથમ ચાર કલાકમાં તમામ 13 વોર્ડની કુલ ટકાવારી 11.59 ટકા હતી. અલબત્ત, પ્રથમ બે કલાકમાં સરેરાશ પાંચ ટકા જ મતદાન થયું હતું. બપોરે 1 વાગ્યા સુધી છ કલાકમાં મતદાન ધીમું પણ ઊંચકાયું હતું અને 1થી 13 વોર્ડની કુલ ટકાવારી 20.64 ટકાએ પહોંચી હતી. સૌથી ઓછું મતદાન વોર્ડ નં. 9માં 12.82 ટકા, જ્યારે સૌથી વધુ વોર્ડ નં. 1માં 26.91 ટકા રહ્યું હતું. બપોરે 1થી 3 વચ્ચે મતદાન થોડું વધુ ઊંચે આવતાં આઠ કલાકને અંતે મતદાનનો આંકડો 13 વોર્ડનો કુલ 30.45 ટકાએ પહોંચ્યો હતો. ઓછામાં ઓછું મતદાન વોર્ડ 7માં 23.63 ટકા  અને વધુમાં વધુ મતદાન વોર્ડ 1માં 36.56 ટકા નોંધાયું હતું. ઈ.વી.એમ. ક્ષતિગ્રસ્ત થવાને લગતા નજીવા એકાદ-બે બનાવ જ બન્યા હતા. લગભગ તમામ મતદાન કેન્દ્રો ઉપર કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને હાથ મોજાં, સેનિટાઈઝર અને થર્મલ ગનની વ્યવસ્થા ઘણી ચુસ્ત જણાઈ હતી. મતદાન કરવા આવેલા કેટલાક મતદાતાઓનાં નામ યાદીમાંથી નીકળી ગયાં હોવાનું જાણવા મળ્યું હતું, તેમજ કેટલાક મતદાતાઓને મતદાન બૂથ શોધવા માટે ધક્કા ખાવા પડયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer