પ્રથમ સુધરાઈ માટે મુંદરા-બારોઈમાં ઊમળકો

પ્રથમ સુધરાઈ માટે મુંદરા-બારોઈમાં ઊમળકો
મુંદરા, તા. 28 : પ્રથમ વખત યોજાઈ રહેલી મુંદરા-બારોઈ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમંગભેર લોકશાહી પર્વના અંતિમ પડાવ સમાન મતદાનનો યજ્ઞ સંપન્ન થયો છે. મુંદરા ઉપરાંત બારોઈ અને ગોયેરસમા ગામના કુલ 25056 મતદારોને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ગ્રામજનોએ પ્રથમ વખતે ઈ.વી.એમ. મશીનમાં એક સાથે ચાર મત આપી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. કુલ 7 વોર્ડના 28 સદસ્યોની પસંદગી કરવા માટે કોંગ્રેસ-ભાજપ-આપ અને અપક્ષ મળી કુલ 74 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. નગરપાલિકાનું સરાસરી મતદાન 70.08 ટકા થયું છે. 70.08 ટકા મતદારોમાં 9439 પુરુષ અને 8120 મહિલા મળી કુલ 17,559નો સમાવેશ થાય છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો ઉપર મતદારો પહોંચી ગયા હતા જ્યારે 9 વાગે તો લાંબી લાઈનો થઈ જવા પામી હતી. `કચ્છમિત્ર'ની ટીમે સવારે 7.30 કલાકે કન્યાશાળાના મતદાન મથકોની મુલાકાત લીધી હતી. ત્યારે મતદારોની લાઈનો લાગી હતી. પ્રથમ વખત ચૂંટણી પરના અધિકારીઓ કર્મચારીઓની સાથે આરોગ્ય તંત્રના કર્મચારીઓ પણ સેનિટાઈઝર સ્પ્ર્રે અને ડિસ્પોઝેબલ હાથમોજા સાથે કોરોનાનું સંક્રમણ ન વધે તેની તકેદારી રાખવા માટે મતદારોને આપી રહ્યા હતા. કુલ 74 ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ. મશીનમાં સીલ થઈ ગયું છે. વોર્ડ નં. 4 સી.કે.એમ. કન્યા વિદ્યાલયમાં મતદાન ધીમું થાય છેની ફરિયાદ ભાજપના અગ્રણી કિશોરસિંહ પરમારે તંત્ર સમક્ષ કરી હતી, જેથી ફરજ ઉપરના સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર જેસરે ઉમેદવાર અને એજન્ટ સિવાયની વ્યક્તિઓની ચહલપહલ બંધ થવી જોઈએની ફરિયાદ તંત્ર સમક્ષ કરી હતી. વોર્ડ નં. 6 આર.ડી. હાઈસ્કૂલમાં બોગસ મતદાન થાય છેની રાવ કોંગ્ર્રેસના ઈમરાન જત અને અનવરભાઈ ખત્રીએ કરી હતી. જેથી તુરંત તપાસ કરતાં આવી ઘટના બનતી ન હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. જ્યારે હસનપીર વિસ્તાર અને કન્યાશાળા પાસે પણ જીભાજોડી અને ગાળાગાળીના બે બનાવો બન્યા હતા. પોલીસ તંત્રને જાણ થતા તે તેમની ટીમ સાથે ઘટના સ્થળે આવી જઈ મામલો સંભાળી લીધો હતો. નગરમાં લટાર મારતા જોવા મળ્યું કે આર.ડી. હાઇસ્કૂલ, સી.કે.એમ. કન્યા વિદ્યાલય અને કન્યાશાળામાં મતદારોનો સતત ધસારો રહેવા પામ્યો હતો. જ્યારે બારોઇના મતદારો માટે શિશુ મંદિર અને સંસ્કાર સ્કૂલમાં પણ મતદારેની લાંબી લાઇનો જોવા મળી હતી. ઉપરાંત બન્ને મુખ્ય રાજકીય પક્ષો અને આપ તથા અપક્ષ ઉમેદવારોના ટેકેદારોના ટેકેદારો પોતાની ટેબલ ખુરશી ઉપર ગોઠવાઇ જઇ મતદારોને મતદાન કેમ કરવું સહિતની માહિતી આપતા નજરે પડયા હતા. બારોઇ નજીક ભાજપના ડાહ્યાલાલ આહીર, કોંગ્રેસના મુકેશભાઇ ગોર અને આપના આગેવાનો પોતાના સમર્થકો સાથે ચૂંટણીના મહાપર્વ મતદાનમાં જોડાઇ ગયા હતા. ગોયેરસમાના મતદારો માટે ગામમાં જ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અપેક્ષા મુજબ પ્રથમ વખત ચાર મત આપવાના હોવાથી મતદાન ધીમું થશેની દહેશત સાચી ઠરી હતી તેમ છતાં ફરજ ઉપરના ચૂંટણી પંચના સ્ટાફે ત્યારે કુનેહ અને ખંત સાથે મતદાનની ઝડપ ચાલુ રખાવી હતી. ઓસવાળ ફળિયું, હશનપીર બજાર, ખારવા ચોક, ભાટિયા ચોક, બારોઇ ગામ અને શિશુ મંદિરની આજુબાજુ અને વેરાઇ કૃપાની બહારની બાજુમાં સાંજે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેના ટેકેદારો સાથે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મહેશનગર, હરિનગર અને ક્રિષ્ના સોસાયટી વિસ્તારમાં પણ ટેબલ સાથે બેઠેલા કાર્યકરો મતદારોને માર્ગદર્શન આપી રહ્યા હતા. ગોયેરસમાના તેજમલજીએ માહિતી આપતાં જણાવ્યું કે કચ્છમાં દૂર દૂર સુધી પરણાવેલી દીકરીઓને પણ મતદાન કરવા સ્થાનિકે બોલાવવામાં આવી છે. તેમણે મતદાન શાંતિપૂર્ણ થયું હોવાનું ઉમેર્યું હતું. અન્ય નોંધપાત્ર વિગત એ પણ રહી હતી કે મોટાભાગના મતદારો સ્વયમ્ મતદાન મથકે આવી પહોંચ્યા હતા. જેથી કાર્યકરોને ઓછી મહેનત પડી હતી. મુંદરા બારોઈ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 70.04 ટકા મતદાન સત્તાવાર રીતે નોંધાયું છે. સૌથી વધુ મતદાન વોર્ડ નં. 4માં 79.30 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નં. 7માં 57.99 ટકા  થયું છે. મહિલાઓ કરતાં 3.63 ટકા પુરુષોએ વધુ મતદાન કર્યું છે. એટલે કે 3.63 ટકા મહિલાઓએ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લીધો નથી. વોર્ડ વાઈઝ ટકાવારી જોઈએ તો વોર્ડ નં. 1માં 69.05, 2માં 66.55, 3માં 71.39, 4માં 79.30, 5માં 73.51, 6માં 67.78 અને 7માં 57.99 ટકા મતદાન સત્તાવાર રીતે નોંધાયું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer