ભુજ તાલુકાના મતદારોમાં જાણે પર્વ જેવો ઉત્સાહ

ભુજ તાલુકાના મતદારોમાં જાણે પર્વ જેવો ઉત્સાહ
ભુજ, તા. 28 : કચ્છમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતી આ તાલુકાની 32 પૈકીની 29 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. ત્રણ બેઠકો પહેલેથી ભાજપે બિનહરીફ મેળવી લીધી છે. ભુજ તાલુકામાં 64.05 ટકા મતદાન સત્તાવાર રીતે નોંધાયું છે. 2,04,256 મતદારો પૈકી 1,31,003 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પુરુષોના મતદાનની ટકાવારી 65.58 અને મહિલાઓના મતદાનની ટકાવારી 62.47 ટકા નોંધાઈ હતી. એક તરફ શહેરી વિસ્તારોએ મતદાન પ્રક્રિયામાં મોટા ભાગે નિરસતા દેખાડી તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ મતદાનના મહાપર્વમાં ભાગ લઇ  જાગૃતિનાં દર્શન કરાવ્યાં હતાં. કચ્છમિત્રની ટીમે ભુજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે મતદારોની લાંબી કતારો તો બહુ જોવા ન મળી પણ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ સવારના પહોરમાં જ પોતાના જ મતાધિકારની પવિત્ર ફરજ નિભાવી યોગ્ય જનપ્રતિનિધિને ચૂંટવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. - કોરોના માર્ગદર્શિકાનાં પાલન સાથે મતદાન : પટેલ ચોવીસીમાં આવતા માધાપર, મિરજાપર, સુખપર, માનકૂવા, સામત્રા અને?ફોટડી સહિતનાં ગામોના પ્રવાસ દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાનાં ચુસ્ત પાલન સાથે તમામ મતદાન મથકોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં લોકોએ મતાધિકારની ફરજ નિભાવી હતી.  ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ સેનિટાઇઝ કરી, થર્મલ ગનથી તાપમાન માપીને જ મતદારોને બૂથમાં પ્રવેશ અપાતો હતો. ઇવીએમમાં મતદાન કરવા પૂર્વે યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક હેન્ડ ગ્લોવ્ઝ તમામ મતદારોને આપી નિકાલની વ્યવસ્થા ગોઠવાઇ હતી. - મનાઇ છતાં વાહનોમાં મતદારોની હેરફેર : વહીવટી તંત્ર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી મતદારોને મતદાન મથક સુધી લઇ જવા વાહનવ્યવસ્થા ઉપલબ્ધ કરવાની મનાઇ?ફરમાવાઇ?હોવા છતાં ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષા-છકડા-ખુલ્લી જીપ જેવાં વાહનોમાં મતદારોની બેરોકટોક હેર ફેર થતી જોવા મળી હતી.- માધાપર બન્યું ત્રી સશક્તિકરણનું પ્રતીક : જિલ્લા મથક ભુજનાં પરાં સમાન માધાપર ગામ ત્રી સશક્તિકરણનું પ્રતીક બન્યું હોય તેમ માધાપરની જિ. પંચાયત સીટ ઉપરાંત તેને સંલગ્ન ચાર તાલુકા પંચાયત બેઠક પર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો હોવાના લીધે મહિલા વીરાંગનાઓના કારણે જગવિખ્યાત બનેલું માધાપર ગામ મહિલા સશક્તિકરણનું પ્રતીક બન્યું હતું, તેનો પ્રભાવ મતદાન મથકો પર વર્તાયો હોય તેમ નવાવાસ અને જૂનાવાસના ત્રણ  બૂથની મુલાકાત દરમિયાન મહિલા મતદારોની વધુ હાજરી ઊડીને આંખે વળગી હતી. - અવસ્થા તો રહેવાની પણ મતદાન જરૂરી : આબાલ-વૃદ્ધ સૌ કોઇએ ચૂંટણીના આ પર્વમાં હોંશભેર ભાગ લીધો હતો. માધાપરના સરસ્વતી વિદ્યાલયમાં 86 વર્ષીય રાધાબાઇ અને 95 વર્ષીય રામબાઇ તેમજ માનકૂવા પ્રા. શાળા ખાતે આવેલા 90 વર્ષીય લક્ષ્મીબેન ધોળુએ પોતાના પરિવારજન તેમજ લાકડીના ટેકે મતાધિકારની ફરજ નિભાવવા સાથે અન્યોને મતદાન કરવા માટેની અપીલ કરતાં કહ્યું કે, વૃદ્ધાવસ્થા  આવી હોય તો શારીરિક અવસ્થા તો રહેવાની જ પણ આ કારણે મતદાન કરવાનું ટાળવું ન જોઇએ, બલ્કે ઉત્સાહથી તેમાં ભાગ લેવો જોઇએ. - સવારે સક્રિયતા બપોરે સુસ્તી : પટેલ ચોવીસીનાં આ ગામો ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર સવારના પહોરમાં મતદાન કર્યા બાદ વાડી-ખેતરમાં કામ પર જવાની વાટ પકડી હતી. સવારના સમયે મતદાનમાં જોવા મળેલી સક્રિયતા બપોર થતાં જ સુસ્તીમાં તબદીલ થઇ હતી. માનકૂવા પાસે આવેલા?ફોટડી ગામમાં તો બપોરે 12 વાગ્યા સુધી 35 ટકા જેટલું ભારે મતદાન થયા બાદ બપોર થતાં ટકાવારીમાં થોડો ઘટાડાનો દોર શરૂ થયો હતો. - પારંપરિક પહેરવેશમાં લોકશાહીની ફરજ : ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની  પ્રજાએ પરંપરા જાળવીને પારંપરિક પહેરવેશમાં લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. માધાપર, ફોટડી, માનકૂવા, સુખપર સહિતના ગામોમાં મહિલા-પુરુષ અને આબાલ-વૃદ્ધ સૌ કોઇ મતદાન કરવા માટે ઊમટી પડેલા જોવા મળ્યા હતા. - લાંબી કતારો ક્યાંક જ જોવા મળી : ઉત્સાહનો માહોલ છતાં ઊડીને આંખે વળગે તેવી બાબત એ રહી કે બપોરના ચાર વાગ્યા સુધી સરેરાશ 50 ટકા જેટલું મતદાન થવા છતાં પ્રવાસ દરમિયાન મતદારોની લાંબી કતારો ભાગ્યે જ જોવા મળી હતી. મતદાન બૂથ નજીક રાજકીય પક્ષના કાર્યકરોનું આવાગમન રાબેતા મુજબ જોવા મળ્યું હતું. સરહદી ખાવડામાં સવારના ધીમા મતદાન પછી દશ વાગ્યા પછી ઝડપ આવતાં લાઇનો લાગી હતી. બપોરે બે પછી મતદાન ફરી ધીમું પડયું હતું. બપોરે ત્રણ સુધી 50 ટકા મત પડયા હતા. 85 વર્ષના પુરુષ અને 80 વર્ષની મહિલા દંપતીએ તેમજ આધેડ અપંગ મહિલાએ વ્હીલચેર અને લાકડીના ટેકે પોતાની ફરજ સમજી મતદાન કર્યું હતું. સાંજે છ વાગ્યે ત્રેંસઠ ટકા મતદાન સત્તાવાર નોંધાયું હતું. રતડિયા તાલુકા સીટમાં કોલી મતદારો જે તરફ ઝુક્યા હશે તેનો વિજય નિશ્ચિત મનાતો હોવાનું જાણકારો કહી રહ્યા છે. - કોડકીમાં ઈવીએમ ખોટકાયું : કોડકી પ્રાથમિક શાળા સ્થિત મતદાન મથકમાં એક ઈ.વી.એમ. મશીનમાં મતદાન વખતે મતદાતા જ્યારે જિલ્લા પંચાતયના બૂથમાં કોંગ્રેસના નિશાનવાળી સ્વિચ દબાવતા બીપ અવાજ ન આવતાં કોંગ્રેસ ઉમેદવારના એજન્ટે કાર્યકર હરપાલસિંહ જાડેજાને જાણ કરેલી તેના પગલે હરપાલસિંહ જાડેજાએ તે ખોટીપાવાળું મશીન બદલવાની રજૂઆત કરેલી તેના ફળ સ્વરૂપ ચૂંટણીપંચ શાખામાં જાણ કરી હતી. ત્યારબાદ જિલ્લા ચૂંટણીપંચ ઓફિસેથી તાબડતોબ ઈવીએમ મશીન સાથે તંત્રના જવાબદાર અધિકારીએ સ્થાનિકે  કોડકી આવીને જરૂરી કાગળો તૈયાર કરીને આશરે 11.30 વાગ્યે ખોટીપાવાળું ઈવીએમ મશીન બદલીને પુન: મતદાન શરૂ કરાવ્યું હતું.  ભાજપના જેમલભાઈ રબારી તથા કોડકી પૂર્વ સરપંચ શિવજીભાઈ સાથે કોંગ્રેસના જયેશભાઈ સોની, મેહન્દ્રસિંહ જાડેજા, અનવર ચાકી હાજર રહ્યા હતા.  સવારે 8થી સાંજે 6 સુધી માનકૂવા, સુખપર, કોડકી, મિરજાપરનું 55 ટકાથી 60 ટકા મતદાન થયું હતું. - આહીરપટ્ટીમાં ઉમળકો : આહીરપટ્ટી પંથકે પણ સરેરાશ પપથી 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.  વધુ મતદારો ધરાવતા લોડાઈમાં 69.43 ટકા મતદાનની ટકાવારી નોંધાઈ છે. રાયધણપરમાં પણ 494 મતદારે મતદાન કરી પ9 ટકા મતદાન નોંધાવ્યું છે. લોડાઈથી રહીમભાઈ મણકાએ વિગત આપતાં જણાવ્યું કે, બન્ને પક્ષમાં જુસ્સા-જોમ સાથે મતદાન કરાવવા દિવસ દરમ્યાન દોડાદોડી જામતાં આખો દિવસ વાહનોનો ધમધમાટ વર્તાયો હતો. કોંગ્રેસ અગ્રણી ઝીંકડીના એચ. એસ. આહીરે જણાવ્યું કે, 99 વર્ષના રાણીબેન ખાસાએ મતદાન કરી જુસ્સો બતાવ્યો હતો.  સવારના ભાગે ઉત્સાહભેર મતદાન થતું જોવા મળ્યું હતું. બપોરના 12.30 બાદ મોટા ભાગના મતદાન મથકોમાં ચહલ-પહલ ઓછી થયા બાદ છેલ્લે 4 વાગ્યા બાદ પુન:?મતદાનની ટકાવારી વધવા લાગી હતી.કુકમા જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં ભાજપના અગ્રણીઓ હરિ હીરા જાટિયા, સતીશભાઈ છાંગા, દેવજીભાઈ આહીર મતદાનની ટકાવારી એકઠી કરવા મતદાન મથકોની મુલાકાત લેતા જણાયા હતા. કોંગ્રેસમાંથી પદ્ધરના પાંચાભાઈ આહીર, ઉમેદવાર રવજીભાઈ હેઠવાડિયા વગેરે પણ દોડાદોડીમાં વ્યસ્ત જણાયા હતા. અગ્રણીઓ મતદાન બાદ હાર-જીતની ગણતરીઓમાં વ્યસ્ત થતા જોવા મળ્યા હતા. એકાદ-બે બેઠકને બાદ કરતાં સરેરાશ બન્ને પક્ષમાં ગત વર્ષો કરતાં આ વખતે ઉત્સાહ ઓછો દેખાયો હતો.- બન્ની : બન્ની પંથકમાં લોકોએ હોંશભેર ભાગ લઇ?પોતાના મતનો ઉપયોગ કરતાં લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. મજૂરવર્ગ ધરાવતા બન્ની વિસ્તારના લોકોની વહેલી સવારથી જ શાળાઓ કે પંચાયતો જ્યાં મતદાન મથક હતું ત્યાં લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer